વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરની સર્જાતી પરિસ્થિતિ સામેના સંભવિત ઉપાયો

Japan K Pathak

વડોદરાના પૂર અંગેની શ્રેણીનો આ તાજો લેખ ગુજરાતીમાં લખવાનું ધાર્યું છે, કારણકે આમાં જનસામાન્યએ જાણવા-સમજવાની ઘણી વાતો છે કે જે ગુજરાતી ભાષામાં મૂકવાથી સરળતાથી સમજાઇ શકે.

અગાઉના આ શ્રેણીના વિવિધ લેખમાં પ્રતિપાદિત કર્યું છે કે વડોદરાની પૂરની સમસ્યા ભૂગોળને કારણે છે. આ લેખમાં પણ તે વિશે વિશેષ પ્રકાશ પાડ્યો છે. જયારે એ ભૌગોલિક હકીકત હોય કે પૂર આવે તેવી ભવિષ્યમાં પણ પૂરી સંભાવનાઓ રહેલી છે ત્યારે આ વાસ્તવિકતા સ્વીકારી લઇને શું શું થઇ શકે તેની ચર્ચા અહીં માંડું છું.

More articles of this series – (1) Vishwamitri has long history of flooding Vadodara; Campbell in 1883 wrote that it ‘frequently overflows in monsoons’

(2) Ajwa Dam was built based on annual average 39 inches rain in Vadodara; it’s now 42.24 inches and rising

(3) 1927 flood of Vishwamitri in Vadodara attracted global attention amid reports of Ajwa dam burst and 1000 deaths

(4) More Vishwamitri floods in Vadodara in 20th & 21st centuries; highest rain of June on record in 2005 caused first flood of century

(5) 2014 was a lackluster monsoon for Vadodara, but then came a surprise as September brought flood

(6) 2019: When Unprecedented Extremely Heavy Rains and Flooding Vishwamitri Stalled the City of Vadodara for 5 Days

(7) Vishwamitri river flood in Vadodara in August 2024; What caused it, how it started, progressed and ended

માહિતી

વડોદરા મહાપાલિકા(વમપા)ની વેબસાઇટ પર જળસ્તરના લાઇવ આંકડા આપવામાં આવે છે, જે અત્યંત આવકાર્ય છે. પરંતુ ઓગસ્ટ 2024માં પૂરના દિવસે કાલાઘોડા પુલ નીચે વિશ્વામિત્રી નદીના 35.25 ફૂટના સ્તર પછી લાઇવ આંકડા ત્યાંજ અટકી ગયા હતા, જ્યારે કે વાસ્તવમાં જળસ્તર છેક 37 ફૂટ પર ગયું હતું જે ત્યારે જ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની માધ્યમો સાથેની વાતચીતમાં સતત સાંભળવા મળતું હતું.

પૂર વખતે લોકો સુધી સાચી માહિતી તત્ક્ષણ પહોંચવી જોઇએ એના બદલે 35.25 પર સેન્સર કેમ ખોટકાઇ ગયું હતું તેની તપાસ કરીને તે હવે પછીના પૂરમાં ન થાય તે રીતે સુધારવું જોઇએ. પૂરના પાણીનું સ્તર 37થી ઉતરીને 35.25 પર પહોંચ્યું તે ફેરબદલ પણ વેબસાઇટ પર એટલે જ નહોતો જોવાઇ શક્યો કારણકે 35.25 પર સેન્સર ખોટકાયેલું રહ્યું હતું.

લોકો માટે તે સમયે જળસ્તર અસલમાં કેટલું વધ્યું, હાલ કેટલું છે તેનો અસલી આંકડો અને ઘટાડાની સીધા સમયે સીધી માહિતી ત્યારે અત્યંત મહત્વની હતી. વળી જે રાત્રે જળસ્તર ઘટયું તેના ઘટાડાની માહિતી પણ વહેલી સવારે સ્થાનિક ચેનલના પત્રકારે કાલાઘોડા પુલ પર જઇને બતાવી ત્યારે જ માલૂમ પડી હતી, અન્યથા વેબસાઇટ પર મુખ્ય પેજ પર સૂર્યોદય પછી પણ 35.25 ફૂટનું જ સ્તર બતાવવામાં આવી રહ્યું હતું. આમ મેન્યુઅલી આંકડા મૂકવામાં પણ ગફલત જણાતી હતી. ભવિષ્યમાં આવું ન થાય તે માટેના પગલાં લેવા ઘટે.

વમપાની વેબસાઇટ પર ન માત્ર પાણીના સ્તરની માહિતી પરંતુ, બંધમાંથી પાણી છોડાયાની માહિતી પણ હોવી જોઇએ. આજવાના દરવાજા ખુલ્લા છે કે કેમ, કે પછી બંધ છે, પ્રતાપપુરાના દરવાજા ખુલ્લા છે કે કેમ, કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તેની વિગતો તેમાં હોવી જોઇએ. બલકે પૂર વિષયક આંકડાનો માત્ર વમપાની વેબસાઇટ પર એક વિભાગ માત્ર ન હોવો જોઇએ પરંતુ વડોદરા ફલડ પોર્ટલ અથવા વડોદરા મોન્સૂન પોર્ટલ નામથી એક ડેડીકેટેડ ઉપક્રમ હોવો જોઇએ.

ગુજરાત રાજ્યની જળસંપતિ વિભાગની વેબસાઇટ પર બંધની ડિઝાઇન્ડ ક્ષમતા(મીલીયન ક્યુબીક મીટરમાં), ટોચનું જળસ્તર, નિયમ પ્રમાણેનું રુલ સ્તર તેની તારીખ સાથે, હાલનું જળ સ્તર, પાણીની આવરાથી આવક(ક્યુસેકમાં), પાણી છોડાતું હોય તો જાવક(ક્યુસેકમાં), નદીમાં કેટલી જાવક, કેનાલમાં કેટલી જાવક, સળંગ વરસાદનો આંકડો, કેટલા દરવાજા ખુલ્લા છે કે બંધ છે, કેટલા માપે ખુલ્લા છે કે બંધ છે આ તમામ વિગતો દર કલાકે અપડેટ થાય છે. પરંતુ આજવા  અને પ્રતાપપુરા વમપા હસ્તક હોવાથી જળસંપત્તિ વિભાગની વેબસાઇટ પર તેના આંકડા જળસંપતિ વિભાગની વેબસાઇટ પર દેખાતા નથી. તો બીજી તરફ વમપા પોતાની વેબસાઇટ પર પણ તે વિગતો દેખાડતું નથી. એ અત્યંત જરુરી છે કે ક્યાં તો વમપા જળસંપતિ વિભાગની વેબસાઇટ પર જ આ આંકડા અન્ય બંધોની માફક અપડેટ થાય તેવું રાજ્ય સરકાર મારફતે નક્કી કરે. અથવા તો વમપા પોતે પોતાની વેબસાઇટ પર આજવા અને પ્રતાપપુરાના કિસ્સામાં આ તમામ આંકડા રિયલ ટાઇમમાં મૂકવાનું શરુ કરે.

આ સાથે વમપા આથી પણ આગળ વધીને વડોદરા જિલ્લા અને પંચમહાલ જિલ્લાના તાલુકાવાર વરસાદના આંકડા પણ પોતાની વેબસાઇટ પર મૂકી શકે. આ આંકડા સ્થાનિક કચેરી દ્વારા તૈયાર થતા જ હોય છે અને દર બે કલાકે તેનો અહેવાલ તૈયાર થતો હોય છે. આ અહેવાલ પણ વમપાની વેબસાઇટ પર ચોમાસા દરમિયાન મૂકી દેવો જોઇએ કે જેથી લોકોને સીધી માહિતી મળે કે આજવા, પ્રતાપપુરા અને દેવ બંધોના ઉપરવાસમાં કેટલો વરસાદ થયો છે, વિશ્વામિત્રીના કિનારે કિનારે નદીના સમગ્ર આવરા વિસ્તારમાં કેટલો વરસાદ થયો છે અને વડોદરા શહેર-તાલુકામાં કેટલો વરસાદ થયો છે.

આ સાથે જ વમપાએ ભારતના હવામાન ખાતા દ્વારા અપાતી તાજી વરસાદ વિષયક આગાહીઓ, સાવધાનીઓ પણ પોતાની વેબસાઇટના ડેડીકેટેડ રીતે તૈયાર કરેલા પૂર વિષયક પોર્ટલમાં વણી લેવી જોઇએ. હવામાન વિભાગ હવે જિલ્લા અને શહેર સ્તરની વરસાદની આગાહીઓ રોજેરોજ પ્રકાશિત કરે છે. અંતરિક્ષથી લેવાયેલી તસવીર, ફ્લેશ ફ્લડ (પૂર) એલર્ટ, લાલ, નારંગી, પીળી સાવચેતીઓ, દરેક સાવચેતીનો શું અર્થ છે, દરેક સાવચેતીના કિસ્સામાં કેટલો વરસાદ વરસવાની શક્યતા છે, આ તમામ વિગતો પણ વમપાએ પોતાની વેબસાઇટ પર પુનઃ પ્રકાશિત કરીને એક જ સ્થળે વણી લેવાની જરુર છે.

ચોમાસાના ગાળા દરમિયાન આ માટે એક ટીમ બેસાડી શકાય. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આ કામ માટે  સ્વયંસેવક બનાવીને કામે લગાડી શકાય.  સ્થાનિક અનેક કંપનીઓ આ ઉપક્રમને પ્રાયોજિત કરવા પણ આગળ આવી શકે છે.  15 જૂનથી 1 ઓક્ટોબર વચ્ચે વેબસાઇટને આ પ્રકારની ઉપલબ્ધ માહિતીઓથી ખૂબ સમૃદ્ધ બનાવી શકાય, કે જેથી લોકોને સીધી અને સાચી જાણકારી મળે, અને અફવા, અકારણ ચિંતા અને ઉચાટથી લોકો દૂર રહે, તો સાથે ખરેખર પરિસ્થિતિ વિકટ કે હળવી થવાની હોય તો તેનાથી વાકેફ પણ રહે અને પોતે ખસવાનો કે સામાન ખસેડવાનો નિર્ણય પણ લઇ શકે. ચેતવણીઓ પણ વેબસાઇટ પર વન-સ્ટોપ જગ્યાએ મૂકાવી જોઇએ કે જેથી લોકો ટવીટર, ફેસબુક વગેરે ફંફોસવાના બદલે એક જ ઓનલાઇન સરનામે જાય અને તેમને વાંચવા મળે.

અહીં હું અમેરિકાના નોર્થ કેરોલીના રાજ્યની રાજધાની રોલીની વરસાદી પાણી-પૂર વિષયક માહિતી આપતી વેબસાઇટની લીંક મૂકું છું. https://raleighnc.gov/stormwater/services/know-your-flood-risks  આમાં જે છે તે તમામ નહીં તો તેમાંથી જેટલું શક્ય બનતું હોય, વડોદરાના કિસ્સામાં લાગુ પડતું હોય તેટલું તો વમ્યુકોએ કરવું જ જોઇએ.

શું વડોદરા શહેરનો કન્ટૂર નકશો બન્યો છે? એટલેકે એવો નકશો કે જેમાં શહેર ક્યાં ઉંડું છે, ક્યાં ઉંચાઇ પર છે, ક્યાં કુદરતી ઢોળાવ છે, અને ક્યાં કૃત્રિમ ઢોળાવ રસ્તા કે અન્ય બાંધકામોને કારણે સર્જાઇ ગયો છે તેની વિગત. વિશ્વામિત્રી નદી છલકાવાની પ્રકૃતિ ધરાવતી હોય, વારંવાર છલકાઇ જતી હોય, અને આવી નદી શહેરની વચ્ચેવચથી પસાર થતી હોય, નદી કયા સ્તરે છલકાય તો તેના પાણી ક્યાં ક્યાં કેટલી ઉંચાઇએ પહોંચી જાય તેનો અંદાજ પાછલા કેટલાક પૂર દરમિયાન લોકોને આવી જ ગયો હોય. પરંતુ તે રેકોર્ડ પર લેવું પડે. જેમ કે એકત્રીસ ફૂટં અહીં અહીં આટલા ફૂટે પાણી ચડે છે, પાંત્રીસ ફૂટં આટલા આટલા વિસ્તારમાં આટલું આટલું ડૂબમાં જાય છે, સાડત્રીસ ફૂટે આટલી આટલી જગ્યાએ પાણી આ માપે ભરાઇ જાય છે, આનું રેકર્ડ હોવું જેોઇએ અને તે જાહેરમાં વેબસાઇટ પર મૂકાવું જોઇએ.

આ વિગતો ઓનલાઇન હોય તો લોકો કળી શકે કે હવે વાહન ઉંચાઇ પર પાર્ક કરવાનો સમય આવી ગયો છે, હવે નીચેના માળેથી સામાન ખસેડવાનો સમય આવી ગયો છે, હવે સ્થળાંતર કરવાની નોબત આવી ગઇ છે વગેરે. પૂર કયાં છેક 37 ફૂટના જળસ્તર પર પણ નથી આવતું અથવા ઓછું આવે છે, છેલ્લે આવે છે, તેની જાણકારી હોય તો લોકો ત્યાં જઇને પોતાના વાહનો પાર્ક કરી શકે કે જેથી પૂરના કિસ્સામાં નુકસાની નિવારી શકાય. પૂરની સંભાવનાવાળા અત્યંત નીચાણમાં બનેલા ઘરો માટે આર્કિટેક્ચરલ ડિઝાઇન પણ તે પ્રકારની હોઇ શકે છે તેની પણ વિગતો વેબસાઇટ પર મૂકી શકાય. ( ઉદાહરણ https://www.archdaily.com/940206/how-can-architecture-combat-flooding-9-practical-solutions ).

કન્ટૂર મેપીંગ, ફ્લડ મેપીંગને આધારે શહેરના આયોજનની વ્યવસ્થાઓ વિકસાવવી પડે.  પૂરની સંભાવનાના આધારે નકશામાં વિસ્તારોને વિવિધ રંગથી દર્શાવવામાં આવે, જેમ કે વિશ્વામિત્રીની માત્ર 20થી 25 ફૂટના જળસ્તર વચ્ચે જ પૂરના પાણી પ્રવેશી જતા હોય તેવા વિસ્તારો માટે લાલ રંગ અને નકશામાં તેવા વિસ્તારો પર જે તે વિસ્તારમાં કેટલા ફૂટના જળસ્તરે ડૂબની પરિસ્થિતિ આવશે અને કેટલા ફૂંટ ઉંડી તેની વિગતો હોય. આ જ રાતે અન્ય માપ પ્રમાણે કલર કોડીંગ કરી શકાય. આ સાથે લોકો પાસેથી ફીડબેક પણ અહીં જ લઇ શકાય.

જ્ઞાન

વડોદરામાં રહેતા વીસ વર્ષના યુવાને હજુ સુધી જીવનમાં ચાર પૂર જોઇ લીધા કહેવાય. વડોદરાએ એ સ્વીકારવું જ રહ્યું કે તે પરંપરાગત રીતે એક પૂરની સંભાવનાવાળું શહેર છે. છેક છઠ્ઠી સદીથી માંડીને ઓગણીસમી સદી, વીસમી અને હવે એકવીસમી સદીમાં વડોદરાના અનેક પૂર વિશેની જાણકારીઓ રેકર્ડ પર નોંધાયેલી છે અને મેં મારી આ વિષયની લેખ શ્રેણીમાં તેમાંથી જે કંઇ ઉપલબ્ધ થયું તે લખ્યું છે.

જાપાનમાં બાળકોથી માંડીને ઓફિસના કર્મચારીઓને નિયમિત રીતે ભૂકંપ સામે તાલીમ આપવામાં આવે છે, કારણકે જાપાન ભૂકંપની સંભાવનાવાળું શહેર છે. પરંતુ વડોદરામાં પૂરની પરિસ્થિતિમાં શું કરવું તે અંગેની કોઇ જ તાલીમ નથી.

શહેરમાં કેમ પૂર આવે છે તે માટે આજવાના ઉપરવાસથી માંડીને આજવા બંધની, પ્રતાપપુરાની, વિશ્વામિત્રી નદીની, દેઉ બંધના ઉપરવાસથી માંડીને દેઉ બંધની, ઢાઢર નદીની, શહેરના ઢોળાવ-નીચાણવાળા સ્તરની, નદીના સર્પાકાર અને સાંકડી હોવાની, અરબી સમુદ્રની ભરતી અને ઓટની, વરસાદની અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનથી માંડીને લો પ્રેશર સિસ્ટમ અને વેલ-માર્ક લો પ્રેશર સિસ્ટમ વગેરેની શું ભૂમિકા છે, હવામાન ખાતાની આગાહી કઇ રીતે સમજવી, આ વિસ્તારની ભૂગોળ, આનો પૂર સંબંધિત ઇતિહાસ, બંધ અને પાણીના સ્તરની તકનીકી આંકડાકીય વિગતો આ બધાથી શહેરીજનો અજાણ જ રહે તે તો કેમ ચાલે?

જ્યારે એક શહેરીજન ટીવી પર એમ કહેતો દેખાય છે, કે ગયા વખતે તો આનાથી પણ ઓછો વરસાદ આવ્યો હતો તેમ છતા અહીં પૂરના આટલા પાણી નહતા આવ્યા, ત્યારે એ જરુરી લાગે છે કે તેને પહેલેથી જ પ્રબોધન થયું હોય કે માત્ર તેના વિસ્તારમાં કેટલો વરસાદ પડયો છે એના આધારે તેના વિસ્તારમાં પૂરનું કેટલું પાણી ભરાશે તે નક્કી નથી થતું, પરંતુ છેક હાલોલમાં વરસાદ પડયો હોય તે પણ તેના ઘરના આંગણે પૂર લાવી શકે છે. ઘણા નાગરિકોની ટીવી પર વાતચીત જોઇ ત્યારે એમ લાગ્યું કે તેઓને વરસાદી પાણીનો ભરાવો અને નદીના પાણીના પૂરનો ભરાવે એ બે વચ્ચેના ભેદ વિશે બેખબર છે. વડોદરાની એક સ્થાનિક ટીવી ચેનલ પર તો 2024ના ઓગસ્ટમાં પ્રસ્તુતકર્તા બહેન એમ કહેતા દેખાયા કે આ વખતે વરસાદ જ નથી આવ્યો છતા પૂર આવી ગયું, જ્યારે હકીકત એ હતી કે વાસ્તવમાં બાર ઇંચ વરસાદ એક દિવસમાં આવી ગયો હતો અને પૂર આવ્યું હતું.

માહિતીનો દૌર ખાનગી માધ્યમોને હવાલે છોડી શકાય નહીં કારણકે તેઓ સતત તેમના અભિપ્રાય ઉમેરતા હોય છે. મોટેભાગે તો તેઓજ આંકડાઓનું કે પરિસ્થિતિને સમજવામાં કે પૃથક્કરણ કરવામાં ઉણા ઉતરે છે. વળી યુટયુબ પર વ્યૂ મેળવવા માટે તડકભડક ઉમેરાતી હોય છે, જેમ કે પ્રલય આવી ગયો, આખું શહેર ડૂબી ગયું, હવે તો ડૂબવું પાક્કું, આ ભાઇની આગાહી અને તે ભાઇની ચેતવણી વગેરે.

ભલે ગુજરાત રાજ્યનો પાઠ્યપુસ્તકોનો અભ્યાસક્રમ આ બધું આવરી લેતો ન હોય, પરંતુ વડોદરામાં એક અલગથી પુસ્તિકા હોવી જોઇએ અને ચોમાસા અગાઉનો એક દિવસ હોવો જોઇએ કે જેમાં શહેરની તમામ ખાનગી અને સરકારી શાળાઓ-કોલેજોમાં આ પુસ્તિકા ભણાવે. પૂર કેમ આવે છે, શહેર તેની ભૂગોળને કારણે પૂરની કેમ સંભાવનાઓ ધરાવે છે, પૂર વખતે શું કરવું, પૂરને કઇ રીતે અધિકૃત આંકડા અને સ્થિતી પ્રમાણે સમજવું, આ તમામ બાબતો આમાં આવરી લેવી જોઇએ.

ખમતીધર સામર્થ્યવાન દેશો અને તેમના અનેક સમૃદ્ધ શહેરો પણ અતિ વરસાદના કિસ્સામાં ભૌગૌલિક કારણોસર પૂરનો સામનો કરે છે અને તેમણે તે ભૌગોલિક સત્ય સ્વીકાર્યું છે.  તેમણે આ માટેના શક્ય Grey અને Green ઉપાયો તો કર્યા છે અને કરી રહ્યા છે પરંતુ સાથે સાથે ભૌગોલિક સ્થિતિની લોકોને સમજ પણ આપી છે.  કારણકે કોઇપણ માનવીય પ્રયત્નો બધા કિસ્સામાં પૂરની સ્થિતિને સંપૂર્ણપણે અને કાયમી રીતે નિવારવા પૂરતા નથી નીવડી રહ્યા.

વિશ્વામિત્રીની પ્રકૃતિ જોતા, વડોદરાવાસીઓએ જૂનના મધ્ય ભાગના અરસામાં જ દર વર્ષે કેટલીક તૈયારીઓ કરી દેવી જોઇએ. મીલ્ક પાઉડર( કે જે ગરમ પાણીમાં નાંખવાથી દૂધનો વિકલ્પ મળે છે), શુદ્ધ પાણીની બોટલ્સ(કીન્લી, બિસ્લેરી જેવી બજારમાં મળતી પાણીની તૈયાર બોટલ્સ કે ઘરના જ પાણીથી ભરી રાખેલી બોટલ્સ), મોબાઇલ ફોન ચાલુ રાખવા અને એ રીતે માહિતી અને વાતચીત વ્યવહાર સાબૂત રહે તે માટે ચાર્જ રાખેલી પાવરબેન્ક, જોઇતી દવાઓ, જ્યાં જરુર લાગે ત્યાં જનરેટર્સ(જેમ કે હોસ્પિટલ્સમાં) અને તે માટેનું ઇંધણ, જ્યાં જરુર પડે ત્યાં પૂર સમયે પાણીને અંદર આવતું રોકી દેવા દિવાલ તાબડતોબ ઉભી કરી દેવા માટેની તૈયારી(2024ના પૂરમાં વડોદરાની ખાનગી હોસ્પિટલે પૂરના પાણી તાત્કાલિક દિવાલ ચણાવી દઇને રોક્યા હતા અને જનરેટર્સથી પોતાનું કામ ચલાવ્યું હતું), પૂર સમયે ઘરમાં કે જ્યાં હોવ ત્યાં હોલ્ડ કરવાની (એટલેકે એક જ સ્થળે ટકી રહેવાની) માનસિક સજ્જતા, પમ્પીંગ સ્ટેશન્સ કે સોસોયટીની, ઘરની પાણી પમ્પ કરવાની મોટર વીજળીના અભાવે કે પાણીના ભરાવાને કારણે  બંધ થવાના કારણે પાણીની સર્જાતી અછત સામે બાલ્ટીમાં વરસાદી પાણી કે છત પરથી છલકતું પાણી ભરવાની તૈયારી, જોઇતા પાવરની ટોર્ચ, પૂરના પાણીના ભરાવા પછી ડેન્ગ્યુ વગેરે રોગો ન લાગી જાય તે માટે ઘરની બારીઓ અને બારણા પર મચ્છરદાનીની જાળી, આ બધું અને બીજું જે કંઇ જરુરી જણાય તે કરવું પડે.

વિશ્વામિત્રીના પૂરને લગતો કોઇપણ લાંબાગાળાનો ઉપાય જો મળી પણ જાય, તો તેના અમલમાં વર્ષો લાગી જાય અને તે પણ તમામ પૂરને તો ન જ રોકી શકે. ભૂગોળની બલિહારી છે કે વડોદરાવાસીઓએ પૂર માટે એ રીતે સજ્જ થવું પડે કે જે રીતે જાપાનવાસીઓ ભૂકંપ સામે સજ્જ રહે છે.

હવે પછીના લેખમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિષયને વણી લઇશું. જેમાં મુખ્યત્વે આજવા બંધ, વિશ્વામિત્રી નદી બાબતે શું કરી શકાય અને કેવી રીતે વડોદરામાં પૂરની માત્રા અને તીવ્રતા ઓછી કરી શકાય કે ટાળી શકાય તે વિશે ચર્ચા કરીશું.

માળખાકિય બાબતો

આજવા

આજવા બંધ બાંધ્યો હતો ત્યારે તે માત્ર વડોદરા શહેરની ત્યારની 1.20 લાખની વસ્તીને પાણી પૂરું પાડવા માટે અને એ રીતે સ્વચ્છતા તથા તે સાથે સંકળાયેલા આરોગ્યને લગતા પ્રશ્નો પણ નિવારવા માટે બંધાયો હતો. આ બંધનો હેતુ પીવાના પાણીની પૂર્તિ માટે હતો, અને કડાણાની માફક પૂર નિયંત્રણ માટેનો ન હતો કે ઉકાઇની માફક સિચાઇનો ન હતો. આજે વડોદરા શહેરની પાણીની નિર્ભરતા સંપૂર્ણપણે આજવા પર અવલંબિત નથી. આજવા આજે પણ શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પાણીની જરુરિયાતો પૂરી કરે છે, પરંતુ શહેરના બાકીના વિસ્તારો માટે પાણી મહીસાગરના ફ્રેન્ચવેલ અને ખાનપુર સ્થિત નર્મદા સંલગ્નિત પાણીની સુવિધામાંથી આવે છે.

આજવા બંધ બંધાયો ત્યારે તે સમયના પાછલા સત્તર વર્ષોના વરસાદના સરેરાશ આંકડાના આધારે બંધાયો હતો. આ માટે આજવાની પશ્ચિમે વડોદરાનો ત્યારનો સત્તર વર્ષનો સરેરાશ વરસાદ 39 ઇંચ ગણાયો હતો અને આજવાની પૂર્વે હાલોલનો વરસાદ પણ તેટલો જ નોંધાયો હતો. હવેની સ્થિતિમાં સરેરાશ આંક પાછલા વીસ વર્ષના વરસાદી આંકડાનો મપાય છે. અને હાલોલ તથા વડોદરા બેઉ કિસ્સામાં આ સરેરાશ 2024 ના વર્ષની સ્થિતીએ 42 ઇંચથી વધારે વરસાદની છે. સરેરાશ વરસાદ વધ્યો છે તે ઘણા દેશો માટે નોંધ લેવાનો વિષય બન્યો છે અને તે માટે વિશ્વભરના તજજ્ઞો ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ઠેરવે છે. જોવાની વાત એ છે કે પાછલા દસ વર્ષમાં પ્રતિવર્ષ વડોદરા શહેર-તાલુકાનો સરેરાશ વરસાદનો આંકડો ઉત્તરોત્તર વધી રહ્યો છે.

Image

Image

વડોદરામાં આવેલા આ વર્ષના પૂર પાછળ પણ અતિભારે વરસાદ કારણભૂત છે. આ વર્ષે 2024માં 1લી ઓક્ટોબરની સ્થિતિએ, કે જ્યારે ચોમાસું લગભગ પૂરું થયેલું ગણાય, ત્યારે વડોદરામાં 1,766 મીમી વરસાદ પડી ચૂક્યો છે, જે અધિકૃત સરેરાશ આંક 1,073 મીમી વરસાદ સામે લગભગ 165 ટકા વધારે  છે, અને તે સ્પષ્ટપણે ભારે અતિવૃષ્ટિ સૂચવે છે. આજવાના ઉપરવાસમાં હાલોલ તાલુકાના કિસ્સામાં પણ સરેરાશ વરસાદ કરતા આ વર્ષે વધારે વરસાદ છે જે લગભગ 110 ટકા છે. દેઉ બંધના ઉપરવાસમાં જાંબુઘોડા તાલુકામાં આ વર્ષે વરસાદ 118 ટકાથી વધુ છે. પાછલા દસ વર્ષમાં 2019ના વર્ષ પછીનો આ બીજો મોટો આંકડો છે. વર્ષ 2019માં શહેર-તાલુકામાં 1,905 મીમી વરસાદ પડયો હતો અને ત્યારે પણ પૂર આવ્યું હતું. ત્યારે તે તત્કાલીન સરેરાશ વરસાદી આંક 989 મીમી કરતા 192 ટકા કરતા વધારે હતો.
એક તરફ સરેરાશ વરસાદ વધી રહ્યો છે, તો બીજી તરફ  આજવા બંધની ક્ષમતા ક્રમશઃ ઘટી રહી છે. 1891માં આજવા બંધાયો ત્યારે તેની સંગ્રહ ક્ષમતા 62.7 મીલીયન ક્યુબીક મીટર(એમસીએમ) હતી, જે 1987માં ગુજરાત સરકાર દ્વારા પરીક્ષણ કરાવાયું તો 54.99 એમસીએમ નીકળી હતી. એટલેકે સંગ્રહ ક્ષમતામાં 7.71 એમસીએમનો અથવા 12 ટકાનો ઘટાડો. આ ઘટાડો વાર્ષિક 0.453 Th. cum/sqKm/yr જેટલો હતો. સેન્ટ્રલ વોટર કમિશનના 2020ના અહેવાલ અનુસાર તેની પાસે આજવા બંધમાં કાંપના ભરાવા (સેડીમેન્ટેશન)ના પરીક્ષણનો છેલ્લો અહેવાલ 1987નો હતો. જો 1987 પછી પણ વાર્ષિક એ જ દરે કાંપનો ભરાવો ચાલુ રહ્યો હોય તો આજવા હાલની સ્થિતિએ 15 ટકાની આસપાસ પોતાની સંગ્રહ ક્ષમતા ગુમાવી ચૂક્યો ગણાય. આ માટે પરીક્ષણ ન થયું હોય તો તત્કાળ થવું જોઇએ. ઢાઢર નદી પરનો દેઉ બંધ પ્રથમ વખત પાણીથી ભરાયો હતો 1986માં અને ત્યારે તેની સંગ્રહ ક્ષમતા 84.09 એમસીએમની હતી, જે 1998ના પરીક્ષણમાં ઘટીને 74.26 એમસીએમ થયેલી જણાઇ અને 2005ના પરીક્ષણમાં તો તે 67.946 જેટલી જ જણાઇ. એટલેકે સંગ્રહ ક્ષમતામાં 19.20 ટકાનો ઘટાડો 1986ના પ્રથમ વર્ષ અને 2005ના આખરી પરીક્ષણ વચ્ચે થયો હતો. આજે તો તે 20 ટકાથી ઉપર ચોક્કસ હશે(2005ના અહેવાલ અનુસાર વાર્ષિક ઘટાડો 3.281 Th. cum/sqKm/yrનો હતો). ઢાઢરનો અહીં ઉલ્લેખ એટલા માટે કરવાનો કારણકે વિશ્વામિત્રીના પૂરની સ્થિતિમાં તે પણ એક અસરકર્તા પરિબળ બની જાય છે.
Image
Image
બીજું કે આજવા અત્યંત નાનો બંધ છે. નર્મદા બંધની 9,460 એમસીએમ, કે ઉકાઇની 7,414.29 એમસીએમની ક્ષમતા કે કડાણાની 1,249 એમસીએમ કે ધરોઇની 813 એમસીએમની ક્ષમતા સામે તો ઉકાઇની માત્ર અને માત્ર 62 એમસીએમની ક્ષમતા કશું જ નથી. પરંતુ નાના નાના શહેરોના, નગરોના, ગ્રામીણ વિસ્તારોના બંધ જુઓ જેમ કે પડધરીનો ઉંડ-1(69.05), કે હિંમતનગરનો ગુહાઇ(68.75), કે બનાસકાંઠાનો દાંતીવાડા(393.62), કે મોરબીનો મચ્છુ(68.95 અને 87.90), કે માલપુરનો વાત્રક(158.20) આ તમામ બંધો પણ ગુજરાતના ત્રીજા સૌથી વધુ વસ્તીવાળા શહેર વડોદરાના આજવા બંધ કરતા મોટા છે.
Image
ધ્યાન રહે કે વડોદરા ભલે વસ્તી-વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું ત્રીજા ક્રમનું શહેર છે પરંતુ પાડોશના બે રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્ય રાજધાનીના શહેરો કરતા વધુ વસ્તી ધરાવે છે. કદાચ ભૌગોલિક પરિસ્થિતિ કે વરસાદની સ્થિતિને જોતા વડોદરા માટે આટલો જ બંધ યોગ્ય જણાયો હશે. પરંતુ યાદ રહે કે સિંચાઇ કે પૂર નિયંત્રણ માટેનો આ બંધ ન હતો. માત્ર પીવાના પાણી માટે હતો. હવે જન સંખ્યા વધી છે, પૂર નિયંત્રણની પણ આવશ્યકતા જણાઇ છે, ત્યારે જો ભૌગોલિક સુગમતા હોય તો 130 વર્ષ ઉપરાંત જૂના આ બંધ વિશે કેટલીક ફેરવિચારણા કે તે વિશેની ભવિષ્યની યોજના – વિકલ્પો વિશે વિચારવાનો સમય આવી ગયો છે.

એ ઉમેરવું રહે કે ઉકાઇના કિસ્સામાં હથનૂરથી નિયંત્રણ શક્ય બને છે, સરદાર સરોવર નર્મદા બંધના કિસ્સામાં ઇંદિરાસાગરથી નિયંત્રણ શક્ય બને છે, કડાણાના કિસ્સામાં મહી બજાજ સાગરમાંથી નિયંત્રણ શક્ય બને છે, પરંતુ વડોદરાના આજવાના કિસ્સામાં ઉપરવાસમાં બીજો કોઇ બંધ નથી અને જે તે સ્થિતિમાં માત્ર આજવાનું નિયમન કરતા વમપાના માથે તમામ જવાબદારી રહે છે. સુરત શહેરથી ઉકાઇ બંધ 96 કિમી દૂર છે, અમદાવાદથી ધરોઇ બંધ 129 કિમી દૂર છે,  ભરુચથી નર્મદા બંધ 96 કિમી દૂર છે, પરંતુ વડોદરાથી આજવા બંધ માત્ર 27.5 કિમી દૂર છે (અહીં આપેલા તમામ અંતરો માર્ગથી મુસાફરીની દ્રષ્ટિએ અને આકાશી ક્રો ફ્લાઇટ અંતર નહીં). માટે વડોદરા શહેર અને આજવા બંધના વરસાદની સ્થિતી ઘણુંખરું એકરુપ થઇ જાય છે અથવા બંધમાંથી પાણી છૂટે તો શહેરમાં નદીના સ્તર પર તેની પ્રમાણમાં ઝડપી અસર વર્તાય છે.

શું આજવાનું વિસ્તરણ શક્ય છે? અને તે શ્રેષ્ઠ વિકલ્પ છે? તેનો વિચાર થવો જોઇએ. ભૂતકાળમાં ભાદર – 1 પછી ભાદર – 2 , મચ્છુ –  1 પછી મચ્છુ – 2 બંધ બન્યા જ છે. અલબત્ત દરેક ઠેકાણે ભૂગોળ અને વરસાદનું પ્રમાણ વગેરે જુદું હોય છે. પરંતુ આ વિશે વ્યવહારુ શકયતા છે કે કેમ તેનો વિચાર તો થવો જોઇએ.
2015માં ગુજરાત સરકારે 45 કરોડની અદીરણ જળ યોજના મંજૂર કરી હોવાનો અહેવાલ ઉપલબ્ધ થાય છે. અદીરણ આજવા બંધની બાજુમાં આવેલું ગામ છે. આ જળ યોજનાનું કામ સિંચાઇ વિભાગને સોંપવામાં આવ્યું હતું. આમાં એક જળાશય તૈયાર કરવાની વાત હતી કે જે આજવા સરોવરમાંથી છૂટતા વધારાના પાણીને સંગ્રહી શકે તથા વડોદરા શહેર માટે જળના નવા સ્ત્રોત તરીકે ઉભરી શકે. આ માટે વડોદરાથી 23 કિમી દૂર 60 હેક્ટરની ખરાબાની જમીન પસંદ કરવામાં આવી હતી.આ જળ યોજના માટેની દરખાસ્ત વમપાએ જ ગુજરાત સરકારને મોકલી હતી. 2015ના હોળીના અરસામાં રાજ્ય સરકારે તની મંજૂરી આપી હતી. તે સમયે વડોદરાની અંદાજિત વસ્તી 19 લાખની હતી અને આજવા, મહીસાગર અને કોયલી-ખાનપુરના સ્ત્રોતમાંથી પાણી ઉપાડવા છતા, ઉનાળામાં પાણીની તંગી વર્તાતી હોવાથી વમપાએ આ દરખાસ્ત તૈયાર કરી હતી. અદીરણ જળ યોજના અલબત્ત સર્વે, શક્યતાદર્શી અહેવાલ, ડિઝાઇન અને સંગ્રહ ક્ષમતાના અંદાજો, લીંકીંગના વિકલ્પો, ટેન્ડર પ્રક્રિયાના કોઠા ભેદીને તૈયાર થવાની હતી. વમપાને જળાશય વિકસાવવાનો અનુભવ ન હોવાથી રાજ્ય સરકારે આ યોજના ગુજરાત પાણી પુરવઠા અને સ્યુએજ બોર્ડને હસ્તક સોંપી હતી. આ યોજનાનું પછી શું થયું તે વિશે ક્યાંયથી જાણવા મળતું નથી.  https://new.deshgujarat.com/2015/03/06/gujarat-govt-nod-for-rs-45-crore-adiran-water-project-of-vadodara/

2024ના ચાલુ જ વર્ષમાં પંદર જૂનની આસપાસ સરદાર સરોવર નર્મદા બંધમાંથી  ઘણું પાણી છોડી દેવામાં આવ્યું અને તે રીતે બંધને ખાલી કરવામાં આવ્યો કે જેથી ઉપરવાસમાં ભારે વરસાદના કિસ્સામાં ભરુચ-અંકલેશ્વરમાં પાછલા વર્ષ જેવું પૂર ન આવે. આ ઉપાય આશિર્વાદરુપ નીવડ્યો અને વાસ્તવમાં ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વડોદરાની માફક ભરુચે પૂરની પરિસ્થિતિ સહન કરવી પડી નહી.  15 જૂને સરદાર સરોવર નર્મદા બંધમાં જળ રાશિ 128.28 મીટરના સ્તરે હતી. સરદાર  સરોવર નિગમના મુખ્ય ઇજનેર આર.જી કાનુન્ગોએ કહ્યું હતું કે પાણી છોડીને વિદ્યુત ઉત્પન્ન કરીને જળસ્તર ચોમાસા પહેલા જ 115ના સ્તરે લઇ જવાશે કે જેથી ઉપરવાસમાંથી આવતું વધુ પાણી બંધમાં સમાવી શકાય, કારણકે સરેરાશથી વધારે વરસાદની આગાહી છે. https://new.deshgujarat.com/2024/06/15/sardar-sarovar-dam-generates-hydropower-to-reduce-water-level-ahead-of-monsoon/

શું આજવાને ચોમાસા અગાઉ અગમચેતીથી ખાસ્સો ખાલી કરી દઇ શકાય? પરંતુ તો પછી જો ચોમાસું નબળું રહ્યું તો શું? જેમ કે બહુ દૂરનું નહીં પરંતુ 2021નું જ ઉદાહરણ લો.  2021ના ચોમાસામાં ઓગસ્ટના ગાળામાં વડોદરાના તત્કાલીન મેયરે ગુજરાત સરકારને પત્ર લખીને નર્મદાનું પાણી વિના મૂલ્યે વડોદરાને આપવાની વિનંતી કરી હતી કારણકે આજવાનું સ્તર નીચું હતું. મેયરે ત્યારે ધ્યાન દોર્યું હતું કે વરસાદનું પ્રમાણ આ વખતે ઘણું ઓછું છે. ઓગસ્ટમાં વડોદરામાં વરસાદનું જે પ્રમાણ હોવું જોઇએ તેના કરતા અર્ધું જ છે. આજવામાં ગયા વર્ષે 2012-211 ફૂટનું સ્તર સચવાતું હતું તે આ વખતે 206.30 ફૂટ છે અને આગામી દિવસોમાં તે 205થી નીચે જતું રહેશે. આજવા એ વડોદરાના પાણી પૂરું પાડતા ત્રણ સ્ત્રોતમાંનું એક છે અને તેથી વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં પાણીની ઘટ પડશે. અને તે સહુ માટે ચિંતાનું કારણ હોવાથી મંત્રી યોગેશભાઇ(કે જે વડોદરાથી જ ધારાસભ્ય છે અને ત્યારે મંત્રી હતા) ને નર્મદામાંથી વિના મૂલ્યે પાણી મળે તે માટે પત્ર લખ્યો છે.

ગુજરાત સરકારે પછી 23 મે 2022થી વડોદરાને રોજિંદો 60 ક્યુસેક (1460 લાખ લીટર) પાણીનો જથ્થો નર્મદા કેનાલમાંથી આજવા બંધમાં ઠાલવવાનું શરુ કર્યું હતું. નર્મદા બંધમાંથી આજવામાં રોજ એટલું જ પાણી ઠાલવવામાં આવ્યું હતું કે જેટલું આજવામાંથી વડોદરા શહેરને રોજ પૂરું પડાતું હોય.  અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા ત્યારે તેમણે આ સંદર્ભની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આજવા બંધને 30 જૂન સુધી અથવા વરસાદનું નવું પાણી ન આવે ત્યાં સુધી નર્મદાના પાણીનો પુરવઠો આપવામાં આવશે. આજવા બંધમાં જળસ્તર ત્યારે 206.40 ફૂટ હતું પરંતુ જો તે 204 ફૂટથી નીચું જતુ રહે તો વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારો માટે પાણી પુરવઠાની સમસ્યા સર્જાઇ હોત. તે વખતે વમપા પ્રત્યેક એક હજાર લીટર નર્મદા કેનાલના પાણી માટે રુપિયા 4.69 ચૂકવે તેવું નક્કી થયું હતું.  https://new.deshgujarat.com/2022/05/28/narmada-canal-discharging-60-cusecs-of-water-daily-in-vadodaras-ajwa-lake/

અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે તંગીના સમયે આજવાને નર્મદા કેનાલમાંથી પાણી પુરવઠો આપી શકાય છે. જો કે આવું નિયમિત કરવું શક્ય ન પણ બને, કારણકે નર્મદા યોજનાના હેતુમાં વડોદરાને પાણી આપવાની જોગવાઇ નથી. વળી નર્મદાના એક જ સ્ત્રોત પર વધુ વિસ્તારો નિર્ભર થઇ જાય તે પણ કેટલું યોગ્ય કહેવાય. સાથે તંગીના વર્ષમાં જો નર્મદા બંધ પણ પૂરો ન ભરાય અને આજવા પણ ન ભરીએ તો બાવાના બેઉ બગડે. પરંતુ જો એવી પણ વ્યવસ્થા શક્ય હોય અને ગોઠવાઇ શકતી હોય કે સપ્ટેમ્બરમાં આજવાને નર્મદા બંધમાંથી છોડવામાં આવતા વધારાના પાણીથી ભરી દેવાય અને તે પહેલા તેને પૂર નિયંત્રણ માટે ખાલી રખાય તો પણ ઉકેલ નીકળી શકે.જો આજવાના 145 એમએલડી પાણી પુરવઠાના વિકલ્પમાં વડોદરાને આટલું જ પાણી કોઇ અન્ય જળસ્ત્રોતથી મળી શકે તો આજવામાં અતિવૃષ્ટિ અગાઉથી જ જળસ્તર નીચું રાખવાનું શક્ય બને. આ અન્ય વિકલ્પ કયો હોઇ શકે? હાલ વમ્યુકો 250 એમએલડી પાણી મહી નદીના રેડિયલ કલેક્ટર વેલમાંથી મેળવે છે. જો મહીમાં ફાજલપુર વાળા પટ્ટામાં કે નજીક ક્યાંક ભૌગોલિક તથા તકનીકી રીતે તમામ ચકાસણીઓ કરીને બરાજ બનાવવાનું શક્ય જણાય અને બરાજને આજવાના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવે તો વમપાને ખૂબ સારો સરફેસ પાણી પુરવઠો મળી જાય અને આજવાનો ઉપયોગ બહુધા પૂર નિયંત્રણ પૂરતો ટૂંકાવી શકાય. વમપાના પોતાના જ અંદાજો મુજબ તેણે 2013 સુધીમાં વધારાના 141 એમએલડી પાણી પુરવઠાના જથ્થાની જરુર પડશે જે 2040 સુધીમાં 273 એમએલડી પર પહોંચશે. આવામાં આજવાનું વિસ્તરણ કે પછી નવું જળાશય, અથવા મહી અને નર્મદા પર નજર દોડાવ્યા વગર છૂટકો પણ ક્યાં છે? ભારત સરકારે અમૃત યોજના હેઠળ 300 એમએલડીની સિંધરોટ જળ યોજના મંજૂર કરી છે જેમાં વમપા અને વુડાનો પણ ફાળો છે. આ યોજના હેઠળ સિંધરોટ પાસેના ચેકડેમના કારણે તૈયાર થતા જળાશયમાંથી પાણી લેવામાં આવી રહ્યું છે પરંતુ અહીં કે પછવાડે યોગ્ય સ્થળે બરાજ બને તો વધારાનું પાણી સંગ્રહી શકાય. જો કે મહી નદી પર કડાણા ડેમ, દોલતપુરા વીયર, વણાકબોરી વીયર અને સિંધરોટ વીયર આવેલા જ છે. હજુ પોઇચા વીયર પ્રસ્તાવિત છે કે જે સાવલી તાલુકાને પાણી પહોંચાડવા માટે 430 કરોડના ખર્ચે તૈયાર થશે અને સાવલી તાલુકાના 34 તથા ઉમરેઠ તાલુકાના 15 ગામોને પાણી પહોંચાડશે. આમ મહીનું પણ પૂરતું દોહન થઇ રહ્યું છે.

વિશ્વામિત્રી

Image

વિશ્વામિત્રી એક સાંકડી નદી છે. વિદેશી અખબારે વીસમી સદીના એક સમાચાર અહેવાલમાં તેને રીવર પણ નહીં પરંતુ રીવ્યુલેટ કીધી છે. 2019ના પૂરના અહેવાલોમાં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ તેને મીનેસીંગ રીવર કહી છે. બોમ્બે પ્રેસિડેન્સીના ઓગણીસમી સદીના ગેઝેટર્સમાં વિશ્વામિત્રીને પ્રતિ વર્ષ ચોમાસામાં છલકાઇ જવાની અને પૂર લાવવાની વર્તણૂકવાળી નદી કીધી છે. https://new.deshgujarat.com/2024/09/06/vishwamitri-has-long-history-of-flooding-vadodara-campbell-in-1883-wrote-that-it-frequently-overflows-in-monsoons/

ભરુચમાં નર્મદા નદી લગભગ દોઢ કિલોમીટર પહોળો પટ ધરાવે છે, સુરતમાં તાપી નદી 600 મીટર અને અમદાવાદમાં સાબરમતી નદી 263 મીટર પહોળો પટ્ટ ધરાવે છે. જ્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદીનો પટ માત્ર 40થી 60 મીટર જેટલો પહોળો છે. વિશ્વામિત્રી નદી કરતા તો નર્મદાની માનવસર્જિત મુખ્ય નહેર જ ઉપરના ભાગે 73 મીટર કરતા વધારે પહોળી છે. વિશ્વામિત્રીની સાંકડાશ આજકાલની નથી, પરંતુ ઓગણીસમી સદીના ગેઝેટર્સમાં પણ તેનું વર્ણન આ જ પ્રકારે છે. વળી વિશ્વામિત્રી સર્પાકારમાં છે. એક અહેવાલમાં તેના પોણા બસો વળાંકો હોવાનું નોંધાયું છે. સ્વાભાવિક છે કે આટલા બધા વળાંકોવાળી નદી હોય એટલે તેનો પ્રવાહ ધીમો જ આગળ વધતો હોય. આવી નદી વડોદરાના મધ્યમાંથી પસાર થાય છે. વડોદરામાં 29 સપ્ટેમ્બર 2024ના દિવસે બપોરના બારથી સાંજના છ વચ્ચે લગભગ ચાર ઇંચ વરસાદ પડ્યો અને વિશ્વામિત્રીનું જળસ્તર 16.40 ફૂટથી ઉંચકાઇને બીજા દિવસે બપોરના બે વાગ્યા સુધી 25.03 ફૂટ જેટલુે વધી ગયુ. આગલા દિવસે સાંજે છ વાગ્યે વરસાદ તો બંધ થઇ ગયો હતો પરંતુ એકત્રિત પાણી વિશ્વામિત્રીના કાલા ઘોડા પુલ નીચે બીજા દિવસના બપોરના બે સુધી આવ્યા જ કર્યું હતું અને ઉચ્ચ જળસ્તર 25.03 ફૂટે પહોંચીને પછી ઘટવાનું શરુ થયું હતું. ઉલ્લેખનીય છે કે આમાં આજવા બંધનો કોઇ કિરદાર ન હતો. ન જ પ્રતાપપુરાનો. તો ઓગસ્ટ 2024માં એક દિવસમાં વડોદરા શહેર-તાલુકામાં બાર ઇંચ વરસાદ અને જુલાઇ 2019માં વડોદરા શહેર-તાલુકામાં 24 કલાકમાં 19 ઇંચથી વધારે વરસાદથી પણ પૂર આવ્યું હતું. આ રીતે માત્ર વડોદરા અને વિશ્વામિત્રી નદીની ઉપર અને બેઉ તરફે અતિ ભારે કે અત્યંત ભારે વરસાદ વરસે તો પણ પૂર આવવાની શક્યતા રહે છે.

Image

મારી પાસે લગભગ 2007માં તૈયાર થયેલા વડોદરા શહેરી વિકાસ સત્તામંડળના બીજા રિવાઇઝડ ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાનની નકલ છે જે વર્ષ 2031માં વડોદરા શહેરની ઉભી થનારી જરુરિયાતોના અંદાજે તૈયાર કરવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગને સોંપવામાં આવ્યો હતો. આમાં વિશ્વામિત્રીના પાણીને હાલની વડોદરા શહેરમાંથી પસાર થતી નર્મદા નહેરની બાજુમાં બીજી નહેર ઉભી કરીને મહી નદીમાં પહોંચાડવાની યોજનાનો નકશો પણ મૂકવામાં આવ્યો હતો જે હું અહીં બીડું છું. વુડાએ તેના આ અહેવાલમાં લખ્યું હતું કે વડોદરા પૂરનો સામનો અવારનવાર કરે છે કે. ઇસવીસન 600માં અંકોટક(જૂનું વડોદરા હાલનું અકોટા) કે જે નદીના પશ્ચિમ કિનારે વસ્યું હતું તેણે પૂર્વમાં વડપદ્રક નામે નદીથી દૂર સ્થળાંતર કરવું પડયું હતું. આ અહેવાલ નોંધે છે કે નદીમાં જળ સ્તરમાં ઘટાડાને કારણે વિશ્વામિત્રી નદીને મહીસાગર તરફ ડાયવર્ટ કરવી જરુરી છે. બેઉ નદીઓ વચ્ચે આઠથી દસ મીટરના સ્તરનો તફાવત છે જેના કારણે વિશ્વામિત્રીના પાણીને મહીમાં જવા માટે પૂરતો ઢાળ મળે છે. બેઉ નદીના આવરાના વિસ્તાર જુદા હોવાથી બહુ ઓછી શક્યતા છે કે બેઉ એક જ સમયે પૂરનો સામનો કરી રહી હોય.
આ વિચાર વર્ષો જૂનો છે પરંતુ તેના પર કોઇ કામ થયું નથી. વડોદરા પૂરથી બચતું હોય તો બાંધકામનો ખર્ચો તો વસૂલ છે પરંતુ સવાલ ખર્ચનો નથી. શહેરી વિસ્તારમાં જમીન સંપાદન એક મુખ્ય પડકાર બની શકે. વળી પર્યાવરણની મંજૂરી, શક્યતાદર્શી અહેવાલ, વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ(ડીપીઆર), કોર્ટ કેસીસ, જમીન સંપાદન કે જે કેટલાક કિસ્સામાં તો આખા બિલ્ડીંગ પાડવાના થાય ને શક્ય  જ ન બને, જમીન સંપાદન માટે આપવાના થતા ભારે વળતરના ખર્ચ, તેને લગતા કોર્ટ કેસ અને સુપ્રીમ કોર્ટ સુધીની લડત, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ જો કોઇ અડચણ ફેંકે તો તે આ બધું વર્ષોવર્ષ જતાં પાર પડે તો પછી ટેન્ડરનું સ્ટેજ આવે. શહેરી વિસ્તારમાં આ ખૂબ જ મૂશ્કેલ પ્રોજેક્ટ સિદ્ધ થાય. અને તેની વ્યવહારુતાની સામે પણ પ્રશ્નો ઉપસ્થિત થાય.તો આ બહુ જ લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે પરંતુ તેનો શક્યતાદર્શી અહેવાલ તો તૈયાર થઇ જ શકે.
વિશ્વામિત્રીને ઉંડી અને પહોળી કરવા અંગે પણ છાશવારે ચર્ચા થતી રહે છે. પરંતુ એ તો ખૂબ જ ભગીરથ પ્રોજેક્ટ થઇ જાય અને વ્યવહારુ રીતે જોતા તેના ફળ અંગે એટલેકે તેની સાર્થકતા વિશે પણ શંકા જ રહે કારણકે અત્યંત ભારે વરસાદના કિસ્સામાં પાણીનો જે વિપુલ પ્રવાહ આવે છે તે આવા ખોદકામથી ઉભી કરાયેલી વધારાની ક્ષમતાને ક્ષુલ્લક સાબિત કરીને સ્તર પાર કરી જઇ શકે છે.

વિશ્વ ફલકે 

વિશ્વના સામર્થ્યવાન દેશો પણ પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને વિવિધ ઉપાયો કરી રહ્યા છે. ક્યાંક ડાઇક બનાવવાનો તો ક્યાંક બરાજ બનાવવાનો તો ક્યાંક અનેક બંધ બનાવી દેવાનો તો ક્યાંક પૂરનું બધું જ પાણી સમાઇ જાય તેવા વેટલેન્ડસ-જળાશયની જોગવાઇ કરવાનો તો ક્યાંક અત્યંત ભારે વરસાદને એક નદીથી બીજી નદી વચ્ચે વિરાટ ભૂગર્ભ ટનેલ મારફતે લઇ જવાનો ઉપક્રમ થયો છે.
કોરિયન સરકારે પૂર અને દુષ્કાળ નિયંત્રણ તેમજ પાણી પુરવઠા માટે નવા બંધાનારા કે હયાત બંધના નવીનીકરણ માટે  14 જગ્યાઓની પસંદગી કરી છે. પ્રત્યેક બંધ 220 મીમી(આઠ ઇંચથી વધારે) સુધીના એક વરસાદને નિયંત્રિત કરવા સક્ષમ હશે જે અસરકારક પૂર નિયંત્રણ પ્રદાન કરશે. 2500 લાખ ટન વધારાનો પાણી પુરવઠો ઉપલબ્ધ થશે જે 22 લાખ લોકોની જરુરિયાનો સંતોષશે. કોરિયામાં 2010 પછી કોઇ નવો બંધ બનાવવામાં આવ્યો નથી. પરંતુ ભારે વરસાદથી થતા નુકસાન અને જળ વાયુ પરિવર્તનને કારણે વારંવાર થતા વરસાદને કારણે વધુ બંધ બાંધવાનું અનિવાર્ય જણાયું છે. પર્યાવરણ પ્રધાન કિમે જણાવ્યું કે બાંધકામ હવે શરુ કરીએ તો પણ લગભગ દસ વર્ષ લાગે તેને પૂરું કરતા, તે જોતા જળવાયુ પરિવર્તની સ્થિતિમાં હવેબંધ નિર્માણમાં વધુ કોઇ વિલંબ કરવા યોગ્ય નથી. https://www.koreatimes.co.kr/www/nation/2024/08/113_379654.html
ગ્લોબલ ટાઇમ્સ, ચાઇનાનો અહેવાલ દર્શાવે છે કે ચીની સરકારે પૂરની ત્રાસદી સામે નાના અને મધ્યમ  કદના બંધને વરસાદ આવે તે પહેલા ખાલી સ્તરે રાખવાનું કહ્યું છે કે જેથી વરસાદ આવે ત્યારે આવરાના પાણીને સમાવવા પૂરતી જગ્યા રહે. https://www.globaltimes.cn/page/202407/1316175.shtml
શાંઘાઇ સ્પોંજ સિટી  https://thediplomat.com/2023/01/becoming-a-sponge-city-at-shenzhen-speed/ નો પ્રોજેક્ટ પૂરથી આવતા વધારાના પાણીને જળાશય ઉભું કરીને તેમાં સમાવી લેવાનો છે. આ માટે વિરાટ જળાશય ઉભું કરવું પડે અથવા વિવિધ જળાશયો ઉભા કરીને તેમને જોડવા પડે. આ માટે ખૂબ મોટી જમીનની આવશ્યકતા રહે. જળાશય સિવાય બીજા પણ સંખ્યાબંધ પગલા દ્વારા પૂરના કે અત્યંત ભારે વરસાદના પાણીને શહેરમાં જ ભૂગર્ભ ટાંકા વગેરે અનેક ઉપાયો દ્વારા સમાવી લેવામાં આવે તે પ્રકારની આ વિભાવના છે.

રુમ ફોર ઘી રીવરનો ડચ પ્રોજેક્ટ પણ એ જ વિભાવના સાથે તૈયાર થયો છે કે પૂરના પાણીને વેટલેન્ડસ, જળાશય વગેરે ઉભા કરીને સમાવી લેવા કે જેથી તે ત્યાં પડયા રહે અને શહેરમાં જઇને તારાજી ન કરે. આ માટે વિશાળ જમીનની આવશ્યકતા રહે. https://www.eea.europa.eu/signals-archived/signals-2018-content-list/articles/interview-2014-the-dutch-make . કેરળના મુખ્યમંત્રી આ પ્રોજેક્ટથી અતિ પ્રભાવિત થઇ ગયા હતા અને કેરળમાં તેનું અમલીકરણ કરવાની જાહેરાત પણ કરી હતી, પરંતુ આપણે ત્યાં ગીચ વસ્તી અને જમીનની અપ્રાપ્યતા તથા બીજા પણ અનેક કારણોથી આવો પ્રોજેક્ટ અમલમાં ઉતારવામાં વ્યવહારુ મૂશ્કેલીઓ આવે છે જે કેરળમાં પણ આવી અને કશું જ કામ શરુ થઇ શક્યું નથી.

એક નાના પ્રયાસરુપે ન્યૂજર્સીમાં રેઝીલીયન્સીટી પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. પાંચ એકરના આઠસો લાખ ડોલરના ખર્ચે તૈયાર કરાયેલા આ બગીચાના ભૂગર્ભમાં  14 લાખ ગેલન વરસાદી પાણી સંગ્રહી શકાય તેવી વ્યવસ્થા છે. આ પાણીને પછીથી પંપથી ઉલેચીને ડ્રેનેજમાં મોકલી શકાય છે. પરંતુ અત્યંત ભારે વરસાદની સ્થિતિમાં ભૂગર્ભ જળનો ટાંકો તે વિસ્તારનું ખાસ્સું પાણી પોતાનામાં સમાવી લે છે અને તે રીતે રેઇન બોમ્બ જેવા સમયે તે આશિર્વાદરુપ નીવડે છે.

https://www.nytimes.com/2023/11/03/headway/hoboken-floods.html  યુરોપમાં આવા અનેક નાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમ કે બાળકોને રમવાની જગ્યા હોય તો તે જમીનથી સમથળ નહીં પરંતુ નીચી બનાવવામાં આવે છે કે જેથી ચોમાસામાં તેમાં વરસાદનું પાણી ભરાઇ જાય અને તેટલું પાણી ડ્રેનેજ સિસ્ટમ પર ઓછો બોજો કરે. આ પાણી પછીથી ડ્રેનેજનું ઢાકળું ખોલીને ખાલી કરવામાં આવે છે.

જાપાનના ભૂમિગત વિરાટ જળ-બાંધકામો બે અબજ ડોલર્સના ખર્ચે 2006માં પૂરા થયા. આ એવો ભયંકર ખર્ચાળ અને વિરાટ પ્રોજેક્ટ છે કે સમૃદ્ધ દેશોમાં પણ તેનું અનુકરણ નથી થયું. પાંચ નાની અને મધ્યમ કદની નદીઓમાંથી વધારાનું પાણી તટપ્રદેશની બહાર આવેલી મોટી એડો નદીમાં રિડાયરેક્ટ કરવામાં આવે છે. નદી કિનારે બાંધવામાં આવેલ પૂર નિયંત્રણ પ્રણાલી વધારાના પાણીને પાંચ ભૂગર્ભ નળાકાર શાફ્ટમાં લઇ જાય છે. આમાં કેટલાક તો 77 મીટર (253 ફૂટ) ઉંડા અને 31 મીટરનો વ્યાસ ધરાવે છે. 6.3 કિમીની એક વિશાળ ટનેલ જમીન નીચે પચાસ મીટરે દટાયેલી છે જે શાફ્ટથી જોડાય છે અને પાણીને ભૂગર્ભ સંગ્રહ ટાંકીમાં લઇ જાય છે. ચાર પંપ સિસ્ટમમાંથી પસાર થયા પછી પાણી ઇડો નદીમાં છોડવામાં આવે છે. આ સંરચના 48 કલાકના સમયગાળામાં 14 ઇંચ વરસાદ પડે તો તેના પાણીને સમાવી લે છે અને પૂરના પાણીને મહત્તમ 200 ક્યુબીક મીટર પ્રતિ સેકન્ડની ઝડપે કાઢી શકે છે. આ ફ્લડ ટનેલ કે જે ખ્રિસ્તી દેવળ કેથેડ્રેલ જેટલી ઉંચી હોવાથી કેથેડ્રેલ ટનેલ તરીકે પણ ઓળખાય છે. તે સદીમાં એક વખત આવતા ભારે પૂરના સ્તરના પૂરનો સામનો કરી શકે છે. https://www.bloomberg.com/news/features/2023-11-13/ambitious-tokyo-flood-tunnels-tested-by-worsening-natural-disasters જેમ કે અગાઉ કહ્યું, અત્યંત ખર્ચાળ હોવાથી આ પ્રોજેક્ટ અન્યત્રે અવ્યવહારુ બની જાય છે.

મૂળભૂત રીતે વડોદરામાં પૂર અટકાવવાનો ઉપાય એ જ છે કે અત્યંત ભારે વરસાદના કિસ્સામાં જે વધારાનું પાણી આવે છે તેને જમીન પર ક્યાંક સ્થાન આપવું. હવે, આટલું બધું પાણી સમાવવા માટે વિશાળ જળાશય અથવા જળાશયો ઉભા કરવા પડે. આ માટે વિશાળ જમીનની આવશ્યકતા રહે. આ જળાશય બંધ સ્વરુપે પણ હોઇ શકે અથવા સરોવર કે સરોવરે સ્વરુપે પણ હોઇ શકે.દસ – બાર ઇંચના ત્રણેક વરસાદ પડે તેનું પાણી સમાવી લઇ શકે તેવા વિશાળ આ સરોવરો કે એક સરોવર હોવા ઘટે.
Image
આપણે ત્યાં સંખ્યાબંધ તળાવો અને તે તમામ તળાવ એક બીજા સાથે ઢાળથી કે વરસાદી કાંસથી જોડાયેલા હોય તેવી સુંદર વ્યવસ્થા હતી. પાણી આમ જ તળાવોમાં અને વધારાનું નદીમાં સમાઇ જઇને દરિયામાં વહી જતું હતું. તળાવો પર અતિક્રમણ અને પછી તેમને બાંધકામો માટે પૂરી દેવા, કુદરતી ઢોળાવો પર બાંધકામોને કારણે કંટૂરમાં ખલેલ પહોંચવી, આ તમામ ચીજોને કારણે પાણીના નિકાલની પરંપરાગત વ્યવસ્થા ભાંગી પડી છે અને તે પુનઃ ઉજાગર કરી ન શકાય તે હદે માણસની લાલસા સમગ્ર પરિસ્થિતિને લઇ ગઇ છે.
લખનારનો સંપર્ક થઇ શકશે japanpathak @ gmail dot com

તાજેતર ના લેખો