દેશપોથીઃ એક વર્ષ પહેલા તારીખ સહિત છપાઇ ગઇ હતી ગુજરાત કાંઠે ચક્રવાત સર્જાવાની આગાહી
June 28, 2023
દેશપોથી
જપન પાઠક
દસમી જૂને ગુજરાતના મુખ્યમંત્રીએ રાજધાની ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક ગોઠવી હતી તેમાં હવામાન વિભાગના ગુજરાતના નિર્દેશક મનોરમા મહંતીએ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાવાની શક્યતા નહિવત ગણાવી હતી અને આ મતલબનું રિપોર્ટીંગ ગુજરાતના માહિતી વિભાગે તેની અખબારી યાદીમાં ટાંક્યું હતું. અગિયાર જૂન સુધી તો તમામ મૌસમ વૈજ્ઞાનિકો માનતા હતા અને કહેતા હતા કે ચક્રવાત ગુજરાતના તટ પર નથી ટકરાવવાનું. પરંતુ પછી ચક્રવાતે અચાનક માર્ગ બદલ્યો અને ગુજરાત તટથી જ તે જમીન પર પ્રવેશશે તેવું જાહેર થયું. બસ થોડા જ દિવસોનો ખેલ અને તે પછી પંદર જૂને ચક્રવાત કચ્છની જમીન પર આવ્યું.
પરંતુ આની આગાહી લગભગ લગભગ એક વર્ષ પહેલા જ ગુજરાતના બે તજજ્ઞોએ કરી દીધી હતી. તારીખ અને વિસ્તાર સહિત. માનવામાં ન આવે તેવી વાત છે ને? પરંતુ આ નરી હકીકત છે. ગાંધીનગર સ્થિત અંબાલાલ પટેલ અને અમદાવાદ સ્થિતભૂપેન્દ્ર નરસિંહભાઇ ધોળકિયાએ 2022ના મે-જૂનમાં લેખ લખ્યો હતો જે સંદેશ અખબારના 2022-23ના વાર્ષિક પંચાંગમાં 214 નંબનરના પાના પર છપાયો હતો. સંદેશનું પંચાંગ દર વર્ષે લગભગ જૂનમાં પ્રિન્ટીંગમાં જતું હોય છે. તો આ લેખ 2022ના જૂનમાં પ્રગટ થયો હતો અને તેમાં તેમણે સ્પષ્ટ લખ્યું હતું કે 2023ના જૂન મહિનાની તારીખ દસથી તેર દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય, ચક્રવાત સર્જાય. અને આ વાત તદ્દન સાચી નીકળી. આ જ તારીખો દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાયો અને અહીં ચક્રવાતની સ્થિતિ સર્જાઇ.
જેઓ માને છે કે પરંપરાગત ડહાપણવાળું આગાહી વિજ્ઞાન હંબગ છે તેમણે વિશેષ ધ્યાન આપવા જેવી આ બાબત છે. પંચાંગમાં પાછલા વર્ષે જ બિપોરજોય ચક્રવાતની આગાહી થઇ ચૂકી હતી તેવી મારી જાણમાં લાવવામાં આવેલી હકીકત પછી તેની ખરાઇ માટે હું ઘરથી ત્રણ કિલોમીટર દૂર મેગેઝીન્સ વેચતી દુકાને પહોંચી ગયો અને 2022ના જૂનમાં છપાયેલું સંદેશનું પંચાગ ત્યાંથી ખરીદ્યું તથા તેના લેખ જોઇ ખરાઇ કરી. તો ન કેવળ ચક્રવાત પરંતુ પ્રિ-મોન્સૂમ વરસાદ જે જૂન અને તે અગાઉ ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં થયો છે તેની વાત પણ વિગતે, પંચાંગના આ એક વર્ષ પહેલાંના લેખમાં મૌજૂદ જોવા મળી.
જેઓ જ્યોતિષને કે વર્તારો કરવાના આપણા પરંપરાગત વિજ્ઞાનને જ હંબગ કહી દે છે તેમણે સમજવું જોઇએ કે જ્યોતિષ પોતે હંબગ નથી, હા તેની પ્રેક્ટીસ કરનાર સાચો મળવો જોઇએ. અને એ સાચા આગાહીકારે પણ શાસ્ત્રીય નિયમોને સાચી રીતે સમજીને સ્થિતિ પ્રમાણે તેનું સાચું પૃથક્કરણ કરીને તારણ આપ્યું હોવું જોઇએ.
જે અંબાલાલ પટેલે ચક્રવાતની આગાહી કરતો લેખ એક વર્ષ પહેલા લખ્યો છે તેમણે 2001ના ગુજરાતના ભૂકંપ પછી આફ્ટરશોક ક્યારે આવવાનો છે તેની આગાહી પણ કરી હતી. તત્કાલીન ગૃહરાજ્ય પ્રધાન હરેન પંડ્યાએ અફવા અને ભય ફેલાવવાના આક્ષેપસર સદહેતુથી અંબાલાલ પટેલની ધરપકડ કરી હતી. પરંતુ મજાની વાત એ છે કે અંબાલાલે કરેલી આગાહી પ્રમાણે, અને આગાહીમાં ભાખેલા સમયે જ ભૂકંપનો આફ્ટરશોક આવ્યો હતો.
ગુજરાતમાં 2001નો ભીષણ ભૂકંપ આવ્યો હતો તે સમયે પણ આગલા વર્ષે બહાર પટેલા ગાયત્રી પંચાગના પાનાની નકલ ખાસ્સી ફરતી થઇ હતી અને તે ચર્ચાનું કારણ બની હતી તથા સમાચારમાં પણ ચમકી હતી કારણકે તેમાં આ ભૂકંપની આગાહી મહિનાઓ પહેલા પંચાંગ પ્રિન્ટીંગમાં ગયું ત્યારે જ કરી દેવામાં આવી હતી. આ બધી વાતોનો હું પત્રકાર તરીકે સાક્ષી રહ્યો છું અને જે તે સમયે ખરાઇ કરી છે પછી જ અહીં પૂરતી ઓથોરિટી સાથે લખી રહ્યો છું.
છાપાના પત્રકારત્વ દરમિયાન મને એક ગઢવી વડીલ મળી ગયા હતા જેઓના દીકરા સરકારી ઉચ્ચાધિકારી હતા અને તેઓ માત્ર શોખથી વરસાદનો વર્તારો કરતા અને છપાવવા માટે મોકલાવતા. હું કૃષિ પૂર્તિનો સ્થાપક સંપાદક હતો અને એટલે તેમનો વર્તારાનો લેખ મારી પાસે આવ્યો. હું તેમને રુબરુ મળ્યો અને લેખ છાપવા લાયક વ્યક્તિ લાગ્યા. લગભગ ત્રણેક વર્ષ સુધી તેમના ચોમાસાના વર્તારા છાપ્યા અને તે સાચા નીવડતા હતા. આ વડીલ ચોમાસાના નક્ષત્રોનું વરસાદની બાબતમાં વજન, નક્ષત્રના વાહનનો પાણી સાથેનો સંબંધ, નર-માદા સંયોગી છે કે કેમ અને નક્ષત્ર બેસવાના વારથી નક્કી કરતા કે જે-તે નક્ષત્ર દરમિયાન કેવો વરસાદ પડશે. લગાતાર ત્રણ ચાર વર્ષ વર્તારો છાપ્યો અને તે સાચો પડયો પછી એક વર્ષે ચોમાસાની શરુઆતે જ તેમનો આવેલો વર્તારો અખબારના ફ્રન્ટ પેજ પર ઓલ એડિશન છાપ્યો. તેમાં તેમણે સરકારને સલાહ આપી હતી કે આ વર્ષે પાછોતરું ચોમાસું કોરું રહેવાનું છે માટે ડેમમાં પાણી ભરી રાખવું. જો કેમ તેમની આ આગાહી પછી ખોટી પડી હતી. સુરતનો તાપી ડેમ સરકારે રુલ લેવલથી ઉપર ભરી રાખ્યો હતો અને પૂર આવ્યું એવો આક્ષેપ થયો હતો એ જ ચોમાસું હતું આ. પછી તેમના વર્તારા છાપવાના બંધ કર્યા. સવાલ એ છે કે ત્રણેક વર્ષ વર્તારા બિલકુલ સાચા કઇ રીતે પડયા અને ચોથા વર્ષે ખોટો કેમ પડયો? સાચો જ્યોતિષ હંમેશા સાચો ન હોય તેવું અક્સર બને છે. એક વખતે ભાવનગર નજીક લોકભારતી, સણોસરામાં વરસાદનો ભાતીગળ પદ્ધતિથી વર્તારો જોનારા સહુનું સંમેલન ભરાયું હતું તેમાં પણ મેં હાજરી આપી હતી. પરંતુ સાતત્યપૂર્ણ રીતે ભરોસો મૂકી શકાય તેવું કોઇ જડી ગયું ન હતું.
જો કે જ્યોતિષી કહો કે આગાહીકાર કે હવામાન શાસ્ત્રી, અંબાલાલે 2001ના આફ્ટરશોકથી લઇને 2023ના ચક્રવાત સુધી કન્સીસ્ટન્સી સારી પેઠે જાળવી રાખી કહેવાય. આજકાલ તો ગુજરાતી ટીવી ચેનલો તેમનો કસ કાઢે છે.
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું