સત્યેન્દ્ર જૈને ખેતીની જમીન ખરીદવા હવાલાના નાણાનો ઉપયોગ કર્યો હોવાના પૂરતા પુરાવાઃ અદાલત

“કટ્ટર પ્રામાણિક” હોવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈને ભ્રષ્ટાચાર કર્યો હોવાનું અને એ નાણામાંથી ખેતીની જમીન ખરીદી હોવાનું અદાલતે જણાવ્યું હતું.

અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દાખલ કરવામાં આવેલા આરોપનામાના આધારે પ્રાથમિક દૃષ્ટિએ એ સ્પષ્ટ થાય છે કે, સત્યેન્દ્ર જૈન તથા તેમના સાથીદારોએ હવાલાના નાણાનો ઉપયોગ રાષ્ટ્રીય રાજધાનીની અંદર અને તેની આસપાસ ખેતીની જમીન ખરીદવા માટે કર્યો હતો.

આ આરોપનામું, જે પ્રોસિક્યુશન કમ્પલેઇન્ટ તરીકે પણ ઓળખાય છે તે પ્રિવેન્શન ઑફ મની લોન્ડ્રીંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ સમક્ષ 27 જુલાઈએ દાખલ કરવામાં આવ્યું હતું.

ઈડીએ તેના આરોપનામામાં સત્યેન્દ્ર જૈન, તેમના પત્ની પૂનમ જૈન તથા સાથીદારો અજીત પ્રસાદ જૈન, સુનિલ કુમાર જૈન, વૈભવ જૈન અને અંકુશ જૈન તથા કંપનીઓ અકિંચન ડેલવપર્સ પ્રા. લિ., પ્રયાસ ઇન્ફોસોલ્યુશન્સ પ્રા. લિ., મંગલયાતન ડેવલપર્સ પ્રા. લિ. અને જે જે આઈઅલ એસ્ટેટ પ્રા. લિ. નાં નામો લખ્યાં છે.

ઈડીએ આમ આદમી પાર્ટીના ખાતા વિનાના મંત્રી સત્યેન્દ્ર જૈનની હવાલા કૌભાંડ કેસમાં 30મી મેએ ધરપકડ કરી હતી. જૈનની અટકાયત કરવામાં આવી તે પહેલાં તે કેજરીવાલ સરકારમાં આરોગ્ય, ઊર્જા તથા અન્ય કેટલાંક ખાતાંનો હવાલો સંભાળતા હતા.
ઈડીના આરોપનામા અનુસાર સત્યેન્દ્ર જૈને તેમના સાથીદારો તેમજ ઉપર જણાવેલી કંપનીઓની સાથે મળીને રૂ. 4.81 કરોડનું હવાલા કૌભાંડ કર્યું હતું. કેજરીવાલના મંત્રીએ આ હવાલા રકમનો ઉપયોગ દિલ્હીની અંદર અને તેની આસપાસ ખેતીની જમીનો ખરીદવા માટે કર્યો હતો. નોંધપાત્ર છે કે, સત્યેન્દ્ર જૈન હવાલા કેસમાં પકડાયા ત્યારે કેજરીવાલે જાહેરમાં જૈનનો બચાવ કરતાં તેમને કટ્ટર પ્રામાણિક અને કટ્ટર દેશભક્ત ગણાવ્યા હતા.

દરમિયાન, કોર્ટે ઈડીના આરોપનામાનો સ્વીકાર કરીને જૈન તથા તેમના સાથીદારો સામે પ્રાથમિક પુરાવા હોવાનું જણાવ્યું ત્યારબાદ ભાજપના પ્રવક્તા શેહજાદ પુનાવાલાએ વિવિધ અખબારી અહેવાલોને ટાંકીને સત્યેન્દ્ર જૈન ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને તેમને મંત્રીમંડળમાંથી ક્યારે હાંકી કાઢવામાં આવશે તેવો પ્રશ્ન કેજરીવાલને કર્યો હતો.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો