યુરીયાની બેગ દીઠ સરકાર 3200, પોટાશ અને ડીએપીની બેગ પર 2500 રુપિયાની સબસીડી ભોગવે છેઃ વડાપ્રધાન મોદી
May 28, 2022
ગાંધીનગરઃ અહીં મહાત્મા મંદિરમાં સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર યુરીયાની એક બેગ સાડા ત્રણ હજાર રુપિયે વિદેશથી ખરીદે છે અને માત્ર ત્રણસો રુપિયામાં ખેડૂતોને આપી છે. આ જ રીતે ડીએપી અને પોટાશ ખાતરો પર પણ સરકાર બેગ દીઠ અઢી હજાર કરોડનો બોજો ઉઠાવે છે. વડાપ્રધાને કહ્યું કે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ એ ખાતર માટે વિદેશ પરની નિર્ભરતાનો સ્થાયી અને કાયમી ઉકેલનો એક હિસ્સો છે.
શ્રી મોદીએ કહ્યું 2014માં સરકાર બન્યા પછી અમે યુરીયાના સો ટકા નીમ કોટીંગનું બીડું ઉઠાવ્યું જેના કારણે ખેડૂતોને પર્યાપ્ત યુરીયા મળવાનું શરું થયું. સરકારે નવી ટેકનોલોજીના અભાવે બંધ થયેલા ખાતરના પાંચ કારખાના પુનઃ શરુ કરવાનું કામ આરંભ્યું. બે કારખાના તો શરુ થઇ ગયા છે અને બાકીના ત્રણ શરુ કરવાનું કામ ચાલુ છે.
ભારત પોતાની જરુરિયાતનું ચોથા ભાગનું ખાતર વિદેશથી ખરીદે છે. પોટાશ અને ફોસ્ફેટના મામલે તો સો ટકા વિદેશથી મંગાવવું પડે છે. કોરોનાને કારણે આંતરરાષ્ટ્રિય માર્કેટમાં ખાતરની કિંમતો ખૂબ વધી ગઇ. આ ઓછું હોય તેમ યુદ્ધ આવ્યું અને ખાતરની વૈશ્વિક ઉપલબ્ધતા પણ ઓછી થઇ ગઇ તો સાથે ભાવ પણ ખૂબ વધારી દીધા. કિસાનો પ્રત્યે સંવેદનશીલ આપણી સરકારે નક્કી કર્યું કે આંતરરાષ્ટ્રિય સ્થિતિ ચિંતાજનક છે, ભાવ વધ્યા છે અને દુનિયાભરમાં ખાતર માટે દોડવું પડી રહ્યું છે. પરંતુ અમારી કોશિશ એ રહી છે કે બધું સહન કરી લઇશું પણ કિસાનને તકલીફ નહીં પડવા દઇએ અને તેથી ખેડૂતોને તકલીફ નથી પડવા દીધી.
પચાસ કિલોનો યુરિયા ખાતરનો એક કોથળો આપણે વિદેશથી સાડા ત્રણ હજાર રુપિયે ખરીદીએ છીએ પરંતુ માત્ર ત્રણસો રુપિયામાં ખેડૂતોને આપીએ છીએ. એટલેકે યુરિયાની એક બેગ પર સરકાર બત્રીસસો રુપિયાનો બોજ સહન કરે છે. ડીએપીની પચાસ કિલોની કોથળી પર અમારી પહેલાની સરકાર પાંચસો રુપિયાનો બોજ ઉઠાવતી હતી. અમારી સરકારે વૈશ્વિક ભાવ વધવા છતા કિસાનોને બોજ ન પડે તે માટે ડીએપીની પચાસ કિલોની બેગ પર અઢી હજાર રુપિયાનો બોજો ઉઠાવે છે.
પાછલા વર્ષે 1.60 લાખ કરોડ રુપિયાની ખાતર પર સબસીડી કેન્દ્ર સરકારે આપી છે. કિસાનોને મળનારી આ રાહત આ વર્ષ લગભગ બે લાખ કરોડથી વધુ થવાની છે. દેશના કિસાનના હિતમાં જે પણ જરુરી હોય એ અમે કરીએ છીએ, કરીશું અને દેશના કિસાનની તાકાત વધારતા રહીશું. પણ આપણે વિચારવું પણ જોઇએ કે શું આપણે એકવીસમી સદીમાં આપણા કિસાનોને માત્ર વિદેશી પરિસ્થિતિ પર નિર્ભર રાખી શકીએ? આ લાખો કરોડ રુપિયા જે કેન્દ્ર સરકાર ખર્ચ કરે છે તે વિદેશ કેમ જાય? શું આપણે કોઇ સ્થાયી સમાધાન ન શોધવું જોઇએ? આ સવાલ પ્રત્યેક સરકાર સામે ભૂતકાળમાં રહ્યો છે પરંતુ પહેલા માત્ર તાત્કાલિક સમાધાન જ શોધવાના પ્રયાસ થયા. પાછલા આઠ વર્ષોમાં અમે તત્કાળ ઉપાય પણ કર્યા છે અને સ્થાયી સમાધાન પણ શોધ્યા છે.
ખાદ્ય તેલની સમસ્યા કમસેકમ હોય એટલા માટે મીશન પામ ઓઇલ પર કામ ચાલી રહ્યું છે. ક્રૂડ ઓઇલના મામલે ગ્રીન ફ્યુએલ અને હાઇડ્રોજનનું કામ ચાલી રહ્યું છે. એ જ રીતે પ્રાકૃતિક ખેતી માટે જે અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે તે પણ કાયમી ઉકેલનો જ એક ભાગ છે. ગુજરાતના ખેડૂતોને અભિનંદન છે કે લાખો ખેડૂતોએ અહીં પ્રાકૃતિક ખેતીના માર્ગ પર ચાલી નીકળ્યા છે. આ બધા કિસાનોને હ્રદયથી અભિનંદન અને પ્રમાણ છે.
કાર્યક્રમના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ નેનો યુરિયા પ્રવાહી ઉત્પાદન એકમનો ડિજિટલ પ્રારંભ કર્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું કે, ગુજરાતની આત્મનિર્ભર કૃષિ માટે પહેલા નેનો યુરિયા પ્લાન્ટનું લોકાર્પણ કરતાં વિશેષ આનંદની અનુભૂતિ થાય છે. તેમણે માહિતી આપી કે, યુરિયાની એક બોરીની તાકાત હવે એક બોટલમાં સમાઈ જશે. નેનો યુરિયાની અડધો લીટર બોટલ એક બોરી યુરિયાની જરૂર પૂરી કરશે તેમ તેમણે જણાવ્યું હતું. કલોલમાં શરૂ થયેલા આ આધુનિક પ્લાન્ટમાં હાલ દોઢ લાખ બોટલનું ઉત્પાદન થશે. આગામી સમયમાં આવા આઠ પ્લાન્ટ દેશમાં લાગશે વડાપ્રધાને જણાવ્યું હતું.
અમૂલ અને લિજ્જત પાપડને ગુજરાતના સહકારી ક્ષેત્રના બે ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવીને નરેન્દ્રભાઈએ ગામોને, એમએસએમઈ ક્ષેત્રને, નાના ઉદ્યોગકારોને પણ આત્મનિર્ભર ભારતના અભિયાનમાં જોડાવા હાકલ કરી હતી. તેમણે ડિજિટલાઇઝેશન દ્વારા સહકારિતા ક્ષેત્રમાં આવી રહેલી ક્રાંતિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે તેને કારણે સૌનો વિકાસ તો થશે જ પરંતુ ભ્રષ્ટાચારની સંભાવના ઘટીને પારદર્શિતા આવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, આત્મનિર્ભરતામાં ભારતની અનેક મુશ્કેલીઓનો ઉકેલ છે. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સહકાર એ બહેતરીન મોડેલ છે. “સહકારથી સમૃદ્ધિ” -સહકારી ક્ષેત્રના ભારતના આ મહાસંમેલનમાં ઉપસ્થિત સહકારી ક્ષેત્રના દિગ્ગજો અને સહકારી ક્ષેત્રને સફળ બનાવનાર સેનાનીઓ અને જૂના સાથીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાત એટલે પણ સૌભાગ્યશાળી રહ્યું છે કે, પરમ પૂજ્ય ગાંધીજી અને સરદાર પટેલનું નેતૃત્વ ગુજરાતને મળ્યું છે. પૂજ્ય બાપુએ સહકારથી સ્વાવલંબનનો જે માર્ગ દેખાયો હતો, સરદાર વલ્લભભાઈ પટેલે તેને જ સાકાર કરવાનું કામ કર્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી વૈકુંઠભાઈ મહેતાનું સ્મરણ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, શ્રી વૈકુંઠભાઈ મહેતાની સ્મૃતિમાં એક ભવનનું નિર્માણ થયું છે, તે પણ બિસ્માર હાલતમાં હતું. કેન્દ્ર સરકારે આ અંદાજપત્રમાં શ્રી વૈકુંઠભાઈ મહેતાની સ્મૃતિમાં કાર્યરત ક્ષેત્રના વિકાસ માટે રૂ.૨૫ કરોડની ફાળવણી કરી છે અને આ કામને વધારે તાકાતવર બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રીતમનગરની સ્મૃતિઓને તાજી કરતાં કહ્યું હતું કે, દેશની પહેલી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી પ્રીતમનગરમાં બની હતી, જે દેશની પહેલી કો-ઓપરેટીવ આવાસ યોજનાનું જીવતું જાગતું ઉદાહરણ છે. ગુજરાતની અમૂલ બ્રાન્ડ એ આખી દુનિયામાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. એટલું જ નહીં, ગુજરાતની કો-ઓપરેટીવ મુવમેન્ટની તાકાતનો પરિચય દુનિયાને આપ્યો છે. આજે ગુજરાત ડેરી ઉપરાંત ખાંડ અને બેન્કિંગમાં પણ સહકારી ક્ષેત્રની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે ફળ અને શાકભાજી જેવા ક્ષેત્રોમાં પણ સહકારી ક્ષેત્રનો વ્યાપ વિસ્તર્યો છે. દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવામાં સહકારી ક્ષેત્રનું મોટું યોગદાન છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશના ગ્રામીણ અર્થતંત્રને સમૃદ્ધ બનાવીને ટકાવી રાખવામાં ડેરી ઉદ્યોગનો ફાળો મહત્ત્વનો પૂરવાર થઈ રહ્યો છે. આજે ભારત દૂધ ઉત્પાદનક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો છે. જેમાં ગુજરાતનો સિંહફાળો છે. એક વર્ષ દરમિયાન ભારતમાં કુલ આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. આ સમગ્ર વ્યવસ્થામાં દેશની માતાઓ-બહેનોનું અનેરું યોગદાન છે. આ દૃષ્ટિએ દેશમાં અનાજના કુલ બજારની સરખામણીએ પણ દૂધનું બજાર ઘણું મોટું છે. જ્યારે દેશનું પશુપાલનનું કુલ બજાર ૯.૫૦ લાખ કરોડથી વધુનું છે. જેમાં નાના ખેડૂતો અને ભૂમિહીન પશુપાલકોનો ફાળો સૌથી વધારે છે.
પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે ભારતના ગામડાંઓ વધુ સમૃદ્ધ બન્યા છે, તેનું સૌથી મોટું અને અગત્યનું કારણ દેશનું સહકારક્ષેત્ર છે. ગુજરાતનું સહકારી મોડલ સમગ્ર દેશ માટે આજે પ્રેરણારૂપ પુરવાર થઈ રહ્યું છે. એક સમય હતો, જ્યારે કચ્છમાં ડેરીઓના નિર્માણ માટે અનેક નિયંત્રણો હતાં. અમારી સરકારે આવીને આ નિયંત્રણો દૂર કરીને રાજ્યભરમાં ડેરી ઉદ્યોગને વેગવાન બનાવ્યો. જેના પરિણામે આજે અમરેલી, કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ડેરી ઉદ્યોગનો વ્યાપ વધ્યો છે. આજે ગુજરાતની ૭૦ લાખ મહિલાઓ આ ઝૂંબેશનો ભાગ છે. જેના પરિણામે લગભગ ૫૦ લાખ પરિવારો સમૃદ્ધ બન્યા છે. ૫૫૦૦થી વધુ દૂધ ઉત્પાદક મંડળીઓ રાજ્યની માતાઓ-બહેનો ચલાવે છે.
ગુજરાતની ઓળખ અમૂલ બ્રાન્ડથી દેશભરમાં પ્રચલિત થઈ તે પણ સહકારક્ષેત્રનું અનેરું મોડલ દર્શાવે છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, વર્ષો પહેલાં રાજ્યની આદિવાસી અને પછાત વિસ્તારોની બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલી “લિજ્જત” પાપડની બ્રાન્ડ આજે મલ્ટિનેશનલ બ્રાન્ડ બનીને વિશ્વના ખૂણેખૂણે પહોંચી છે. માતાઓ-બહેનોને પ્રત્સાહિત કરવા માટે લિજજત પાપડ ગૃહ ઉદ્યોગનો પ્રારંભ કરનારાં મહિલાના યોગદાનને ધ્યાનમાં લઈને અમે તેમને ‘પદ્મશ્રી’થી નવાજિત કર્યા છે. સહકારી ક્ષેત્રમાં બહેનોની ભૂમિકા અત્યંત મહત્ત્વની પૂરવાર થઈ રહી છે. બહેનોના કૌશલ્ય, મનોબળને મજબૂત બનાવવા દેશ અને રાજ્યની સરકારો ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કારણ કે, સહકાર જ ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો આત્મા છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ અમારી સરકારે નક્કી કર્યું કે, આઝાદીનો અમૃતકાળ સહકારના ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામનો પણ અમૃતકાળ બની રહે. પરિણામે, દેશમાં સૌ પ્રથમ વખત કેન્દ્રીય સ્તરે સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી અને દેશભરમાં સહકારિતા આધારિત મોડલ રજૂ કરી, આ ક્ષેત્રના સુગ્રથિત વિકાસ માટે અનેકવિધ આયામો અમારી સરકારે હાથ ધર્યા છે. જેના પરિપાકરૂપે આ ક્ષેત્રના નાના અને મધ્યમકદના એકમો બજારમાં હરિફાઈ કરવા યોગ્ય બન્યા છે.
વડાપ્રધાનશ્રીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાળની યાદો તાજી કરતાં કહ્યું કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ દ્વારા સહકારી મંડળીઓ પર લાગતા ટેક્સ દૂર કરવા રજૂઆતો મળતી હતી અને આ સંદર્ભે તત્કાલિન કેન્દ્ર સરકારને હું ચિઠ્ઠીઓ લખતો હતો, પરંતુ આ બાબતે ક્યારેય વિચારાયું નહોતું. અમારી સરકાર રચાયા બાદ તરત જ આ બાબતે નિર્ણય લઈને સહકારી મંડળીઓ પરનો ટેક્સ નાબુદ કરાયો. એટલું જ નહીં, ગુજરાતની સહકારી મંડળીઓ અનેક ફરિયાદો લઈને આવતી હતી, આજે આ જ મંડળીઓ પોતાની કામગીરીના રિપોર્ટ કાર્ડ લઈને આવે છે. આવી નાની મંડળીઓમાં આજે અનેક પ્રકારના બદલાવો જોવા મળી રહ્યા છે. તેઓ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરતા થયા છે. આ ડિજિટાઇઝેશન જોતા ખરેખર ગર્વ થઈ આવે છે. એટલું જ નહીં, નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે સહકારી બૅંકો દ્વારા ૮ લાખ ખેડૂતોને ‘રુપે’ કાર્ડ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત દેશભરની ૬૩ હજારથી વધુ પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી-PACSમાં પારદર્શિતા આવે એ માટે તેને કોમ્પ્યૂટરાઇઝ્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે લાખો ખેડૂતોને ફાયદો થશે. સહકારીક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આજે ગવર્ન્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ-GeM પોર્ટલ પરથી ખરીદી કરતા થયા છે. જેને સ્વીકૃતિ મળવાથી આજે સરળતાથી અને ઓછી કિંમતે વસ્તુઓ અને ઉત્પાદનો મળતા થયા છે.
તેમણે ઉમેર્યું કે આઝાદીનો આ અમૃતકાળ લઘુ અને મધ્યમકદના ઉદ્યોગોને, નાના દુકાનદારોને વધુ સક્ષમ બનાવવાનો કાળ બની રહેશે. નાના વેપારીઓને વેચાણની ઉમદા તકો મળે તે માટે Open Network for Digital Commerce (ONDC)નું ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. પડકારો સામે સમાધાન શોધવામાં જ સહકારની ખરી કસોટી છે, ત્યારે અમારી સરકારનો સમગ્ર પ્રયાસ આપત્તિને અવસરમાં પલટવાનો છે. આજે આવા અનેક પ્રકલ્પો થકી નવી સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદ મળી છે.
સહકારી ક્ષેત્ર ડિજિટલ થવા સાથે ખરીદ-વેચાણમાં પારદર્શિતા આવશેઃ અમિત શાહ
ગાંધીનગરઃ સમગ્ર સહકારિતા ક્ષેત્રનું ડિજિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ 65,000થી વધુ પેક્સ કાર્યરત થતાં આ ક્ષેત્રમાં ખરીદ-વેચાણમાં પારદર્શિતા આવશે તેમ દેશના ગૃહ અને સહકારિતા પ્રધાન અમિતભાઈએ શાહે આજે અહીં જણાવ્યું હતું.
સહકાર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ભાગ લેવા ગાંધીનગર આવેલા અમિત શાહે કહ્યું હતું કે, સહકારિતા આંદોલન સાથે જોડાયેલા લોકો તથા ખેડૂતો અનેક દાયકાથી કેન્દ્રમાં સહકારિતા મંત્રાલય હોવું જોઇએ એવી માગણી કરતા હતા, પરંતુ નરેન્દ્રભાઈએ એક વર્ષ પહેલાં મંત્રાલયની રચના કરી.
આ પગલું આગામી સમયમાં સહકાર ક્ષેત્ર માટે નવો પ્રાણ ફૂંકશે તેમ તેમણે ઉમેર્યું હતું. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સહકારી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા આઠ વર્ષમાં લેવામાં આવેલાં પગલાંની વિગતો અમિત શાહે કહ્યું હતું કે, સહકારી ખાંડ કારખાના ઉપર આવકવેરો રદ્દ કરવામાં આવ્યો છે. અગાઉની એ વ્યવસ્થા બંધ થતાં ખેડૂતોને 8000 કરોડનો લાભ થયો છે. એ જ રીતે સરચાર્જ જે અગાઉ 12 ટકા હતો તે ઘટાડીને સાત ટકા કરવામાં આવ્યો છે.
અમિતભાઈએ માહિતી આપી કે, નવી સહકારી નીતિ બનાવવા સરકારે સૂચનો મગાવ્યાં છે અને ટૂંક સમયમાં જ નીતિ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સહકારિતા ક્ષેત્રની ડેટા બેંક તૈયાર કરવામાં આવી રહી છે જેને કારણે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો એક મંચ ઉપર જોડાઈ જશે.
તેમણે કહ્યું કે હાલ ઓર્ગેનિક ખેતી ઉત્પાદનો માટે માર્કેટિંગ વ્યવસ્થા નથી, પરંતુ તે વ્યવસ્થા ઊભી કરવા કામ થઈ રહ્યું છે અને અમૂલ દ્વારા થોડા સમયમાં જ ગાંધીનગરમાં આ માટે લેબોરેટરી બનાવવામાં આવશે. અમિત શાહે આશા વ્યક્ત કરી હતી કે, જે ઝડપથી સહકારી ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે એ જોતાં પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રનું મોદીજીનું સ્વપ્ન સાકાર થશે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણને યાદ છે કે, આઝાદીના સમયથી સ્વાવલંબન–સ્વદેશીના બે આધાર સ્તંભ પર શ્રી સરદાર પટેલ અને શ્રી મોરારજી દેસાઈએ ગાંધીજીના નેતૃત્વમાં શરૂઆત કરી હતી ત્યારબાદ શ્રી ત્રિભુવનદાસ પટેલ અને શ્રી વૈકુંઠભાઇ મહેતા જેવા અનેક કાર્યકર્તાઓએ સહકારિતા ક્ષેત્રને મજબૂત કરવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે. આ જ કારણે તેમણે વાવેલું સહકારિતાનું બીજ વટવૃક્ષ બની વિશ્વની સમક્ષ આજે ઉભું છે.
હું સહકારીતા ક્ષેત્રે જોડાયો ત્યારથી સર્વે સહકારી કાર્યકરોની માંગ હતી કે, કેન્દ્રમાં સહકારિતા માટેનું અલગ મંત્રાલય હોય તેવું કહી સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તે સમયે કોઇ સરકારે આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વર્ષ પહેલા ક્રાંતિકારી પગલું ભર્યું અને કેન્દ્રમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. આ કદમ થકી આવનારા ૧૦૦ વર્ષ સુધી સહકારિતા આંદોલનમાં પ્રાણ પૂરાયા છે.
તેમણે ઉમેર્યું હતું કે, મંત્રાલયના નિર્માણ બાદ આ સરકારે એવું ઉમદા નિર્ણય લીધો છે કે ખાંડની મિલોને વધારે નફો થતો તે કિસાનના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરતાં હતા ત્યારે ઇન્કમટેક્સ લાગતો હતો. બજેટમાં આ ટેક્સ દૂર કરીને કિસાનોને રૂ. ૮,૦૦૦ કરોડનો ફાયદો આ સરકારે કરાવ્યો છે. સહકારિતા ક્ષેત્ર પરના સરચાર્જ ટેક્સને પણ ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા આ બજેટમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સહકારીતા પર ૧૮.૫ ટકા વેટ હતો તે ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે ફેબ્રુઆરી-૨૦૨૦માં એક ઠરાવ કરીને ક્રેડિટ ગેરંટી ફંડની જેટલી યોજનાઓ છે તે હવે કો-ઓપરેટીવના માધ્યમથી જ ચાલશે. ભારત સરકારના તમામ મંત્રાલયની એક દિવસની બેઠક યોજાઈ હતી જેમાં સહકારિતા મંત્રાલયને પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું. આ ક્ષેત્રે અનેક નિર્ણયો પ્રગતિમાં છે. આ બજેટમાં ઘોષણા કરી છે ૬૩,૦૦૦થી વધુ પેક્સ કાર્યરત છે તે તમામનું કમ્પ્યુટરાઇઝેશન કરવાનું કામ ભારત સરકાર -નાબાર્ડ સાથે મળીને કરી રહી છે. આ ક્રાંતિકારી પગલુ આપણી ત્રિસ્તરીય કૃષિ ફાઇનાન્સ ક્રેડિટ સિસ્ટમ માટે લેવાઇ રહ્યું છે. પેક્સની જેમ જિલ્લા સહકારી બેન્ક, રાજ્ય સરકારી અને નાબાર્ડનું પણ એક જ પ્રકારનું સોફ્ટવેર હશે. નાબાર્ડના કોમ્પ્યુટરની અંદર તમામ પેક્સનું દૈનિક જે વેપાર-રિકવરી થાય છે તે તમામ નાબાર્ડ સુધી પહોંચશે. જેના પરિણામે પારદર્શિતા આવશે. જેથી પેક્સ બંધ કરવાનો સમય જ નહીં આવે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું હતું કે નવી સરકાર નીતિ બનાવવા પણ ભારત સરકારે વેબસાઇટ અને પ્રત્યક્ષ સૂચનો મંગાવવાના શરૂ કર્યા છે. સહકારી સંસ્થાઓ સાથે બેઠક પણ કરી છે. પેક્સમાં માછલી પાલનની સહકારી સમિતિઓ, દૂધ ઉત્પાદક સહકારી સમિતિઓ, ઘાસચારો એકત્રિત કરતી સમિતિઓ અથવા કોઇ પણ પ્રકારની સહકારી સમિતિઓનો એક મોટો ડેટા બેન્ક ભારત સરકાર તૈયાર કરવા જઇ રહી છે. આ સાથે પેક્સને બહુઉદેશીય બનાવવા પણ ભારત સરકાર કામ કરી રહી છે.
સહકાર મંત્રીશ્રીએ કહ્યું હતું કે હાલમાં ઓર્ગેનિક કૃષિ ઉત્પાદન મંડળીઓ માટે કોઇ વ્યવસ્થા નથી. AMUL હેઠળ ભારત સરકાર નજીકના સમયમાં પ્રથમ લેબોરેટરી અમૂલ ફેડ, ગાંધીનગર ખાતે ડેરીમાં તેયાર કરવા જઇ રહી છે. આનો વિસ્તાર કરીને તમામ જિલ્લામાં તેની લેબ તૈયાર થવાથી પ્રામાણિત ઓર્ગેનિક કૃષિ ઉત્પાદન ખેડૂત પાસે પહોંચશે તેનો ફાયદો ખેડૂતોને થશે. આ લેબથી એક મોટુ સહકારિતા આધારિત નેટવર્ક તૈયાર થશે. ભારત સરકાર મલ્ટિ સોસાયટી કો-ઓપરેટિવ એક્ટમાં પણ ખૂબ મોટા સુધારા કરવા જઇ રહી છે.
તેમણે કહ્યું હતું કે ભારતમાં આ સહકારીતા મંત્રાલયની નવી શરૂઆત થઇ છે ત્યારે તેમાં નિમણુંક પ્રક્રિયા, ખરીદી અને ઓડિટ સિસ્ટમમાં ખૂબ મોટી પારદર્શિતા આવશે. આ તમામ પ્રક્રિયા બદલવા રાજ્યો સાથે પણ ચર્ચા ચાલી રહી છે. આ બદલાવ આવવાથી સહકારિતા આંદોલનની વિશ્વસનીયતામાં વધારો થશે અને આ આંદોલનમાં શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નવો પ્રાણ ફૂંકાશે. ભારતને ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા PM શ્રી મોદીજીનું સ્વપ્ન સાકાર કરવામાં સહકારી ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન ગણાશે.
સહકારીતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે નેનો યુરિયા પ્રવાહી સ્વરૂપે પ્લાન્ટનું કલોલ ખાતે શ્રી મોદીજીના હસ્તે ઇ-લોકાર્પણ થયું છે તેના ખૂબ મોટા ફાયદા છે. આ નેનો યુરિયાથી આપણી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થતી બચશે અને ખેડૂતોનું સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. નેનો યુરિયા પ્રવાહીના ઉત્પાદનથી એક બેગની જગ્યાએ માત્ર ૫૦૦ મિલિ લિટરની નાની બોટલ ખેડૂતો પોતાના પોકેટમાં ઘરે લઇ જઇ શકે તેટલું સરળ બનશે. જેનાથી પરિવહન ખર્ચ અને શક્તિ બચશે, આ કૃષિ ક્ષેત્રે મોટો બદલાવ છે. ખેતરમાં જ્યારે આપણે યુરિયા નાખીએ છીએ ત્યારે માત્ર ૨૫ ટકા યુરિયા જ ઉત્પાદન વધારવા કામ આવે છે, ૭૫ ટકા યુરિયા હવામાં ઓગળી જાય છે તેની સામે નેનો યુરિયા પ્રવાહી ઉત્પાદન વધારવામાં ૯૯ ટકા કામ આવે છે. ૧૦૦ ટકા ખેત ઉત્પાદન વધારવાના આ નવા પ્રયોગની શોધ બદલ ઇફ્કોના વૈજ્ઞાનિકો અને કેન્દ્રીય ખાતર મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સહિત તમામને સહકાર મંત્રીશ્રીએ આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા.
વડાપ્રધાન શ્રી મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સહકારિતા ચળવળમાં કોઇ કસર છોડવામાં આવશે નહિ તેવી પણ આ પ્રસંગે સહકારિતા મંત્રીશ્રીએ સહકાર ક્ષેત્રના ભાઇ-બહેનોને વિશ્વાસ અપાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી, જમીન અને હવા પ્રદૂષિત ન થાય તેવા નિરામય ભારતની કલ્પના કરી છે તેમની આ કલ્પનાને ચરિતાર્થ કરવા માટે નેનો યુરિયા તરલ સ્વરૂપે ઇફ્કોએ બનાવ્યું છે જેને આજે દેશભરમાં વિતરણ કરવા ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
Related Stories
PM Narendrabhai Modi Inaugurates World’s First Nano Urea Plant by IFFCO in Gujarat
PM Modi addresses Sahkar Se Samrudddhi programme in Gandhinagar, Gujarat
PM Narendrabhai Modi inaugurates a 200-bed hospital of Shri Patel Seva Samaj Trust at Atkot
Preparations on in full swing at Atkot for Prime Minister Modi’s visit
Recent Stories
- Closure of Tapi Bridge on Ahmedabad–Mumbai Highway Extended till Aug 20
- Pakistani Mohalla in Surat renamed to Hindustani Mohalla
- Multiple rounds of heavy rains likely in Saurashtra, Kutch, during 16-23 August: Weather analyst
- NHAI Rolls Out FASTag Annual Pass; List of Eligible Toll Plazas in Gujarat
- PM Modi announces Mission Sudarshan Chakra; aims to boost national security shield by 2035
- Key Announcements by PM Modi During His Independence Day Address
- 79th Independence Day 2025 celebrations from Red Fort in Delhi | 15th August